ધોળાવીરામાં રાજકીય ઓથ હેઠળ ખાનગી રિસોર્ટો દ્વારા સરકારી તિજોરી પર તરાપ
ટેક્સ ચોરીનું મસમોટું કૌભાંડ
ખડીર પંથકમાં અનધિકૃત બાંધકામો, જીએસટી અને પંચાયત વેરાની વ્યાપક ચોરીથી વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો
ભચાઉ - કચ્છ ઉદય : યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે વૈશ્વિક ફલક પર ચમકી રહેલા કચ્છના ખડીર બેટમાં આવેલા પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિના નગર ધોળાવીરામાં પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ ઉછાળો જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાંથી આવતા સહેલાણીઓના કારણે ધોળાવીરા અને તેની આસપાસના ખદીર પંથકમાં આર્થિક ગતિવિધિઓ ખૂબ જ ઝડપી બની છે. આ વધતા પ્રવાહને પહોંચી વળવા માટે વિસ્તારમાં અનેક ખાનગી રિસોર્ટો અને હોટલો ફૂટી નીકળ્યા છે. જોકે, આ પ્રગતિની સાથે સાથે હવે ગેરરીતિઓના ગંભીર આક્ષેપો પણ સામે આવી રહ્યા છે અને સ્થાનિક તંત્ર તથા સરકાર માટે તે ચિંતાનો વિષય બન્યો છે.ખડીર પંથકમાં કાર્યરત કેટલાક ખાનગી રિસોર્ટોમાં મોટા પાયે સરકારી ટેક્સની ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. પ્રવાસીઓ પાસેથી રહેવા અને જમવાના મસમોટા ભાડા વસૂલતા કેટલાક ખાનગી રિસોર્ટોના સંચાલકો સ્થાનિક ગ્રામ પંચાયતોને કોઈ પણ પ્રકારનો વેરો ચૂકવતા નથી. આ ઉપરાંત જીએસટીના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. રિસોર્ટ માફિયાઓનું આ વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. રાજકીય વગ ધરાવતા સંચાલકો સામે વહીવટી તંત્રના મૌનથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો તટસ્થ તપાસ થાય તો મલબારકાંડથી પણ મોટું કૌભાંડ ખુલવાની પૂરેપૂરી શક્યતા છે. રજિસ્ટર વગરની એન્ટ્રીઓ અને પ્રોફેશનલ ટેક્સની ચોરી વચ્ચે રાતોરાત કરોડપતિ બનેલા આ સફેદપોશ સંચાલકો પર તપાસની તલવાર લટકી રહી છે. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ સમગ્ર કૌભાંડ વાગડ પંથકના વગદાર રાજકારણીઓના છૂપા આશીર્વાદ અને ઓથ હેઠળ ચાલી રહ્યું છે. રાજકીય સંરક્ષણને કારણે વહીવટી તંત્ર પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરી રહ્યું હોવાનું
જણાઈ રહ્યું છે.સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર જો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રિસોર્ટોના બાંધકામની મંજૂરીઓ, વીજ જોડાણો અને જીએસટીના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો તાજેતરમાં ચર્ચાયેલા મલબારકાંડ કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે. અનેક રિસોર્ટોમાં પ્રવાસીઓની સુરક્ષા માટે અનિવાર્ય એવા રજિસ્ટર નિભાવવામાં આવતા નથી કે નથી ત્યાં કામ કરતા કર્મચારીઓની પ્રોફેશનલ ટેક્સની વિગતો પંચાયત ચોપડે નોંધાયેલી જ નથી. સ્થાનિક રાજકારણીઓની રહેમનજર હેઠળ રાતોરાત કરોડપતિ બની ગયેલા આ સંચાલકો કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર મામલે જાણકારોનું માનવું છે કે આ કૌભાંડના મૂળ ઊંડા છે અને તેમાં સ્થાનિક કક્ષાના વહીવટી અધિકારીઓની મિલિભગત હોવાની પણ પ્રબળ શક્યતા છે.
જો વહીવટી તંત્ર સાથે આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ દ્વારા આ પંથકમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવે તો બેનામી મિલકતો અને કરચોરીના મોટા આંકડા સામે આવી શકે તેમ છે. ધોળાવીરા જેવા પ્રવાસન સ્થળના નામે આ રીતે ચાલતી લૂંટ અટકાવવા અને સરકારી આવક જાળવી રાખવા માટે તટસ્થ તપાસની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે.
...........
પાણી, લાઈટ અને રિસોર્ટ્સના લાયસન્સની તપાસ અનિવાર્ય
ભચાઉ : ખડીર પંથકના ધોળાવીરા વિસ્તારમાં મોટા પાયે ધમધમી રહેલા ખાનગી રિસોર્ટો અને હોટલો દ્વારા કરવામાં આવતી ગેરરીતિઓની પોલ હવે ખુલી રહી છે. આ રિસોર્ટો દ્વારા કેટલા રિસોર્ટ આવેલા છે અને કોણે કોણે નગર નિયોજનની મંજૂરી લીધી છે તેની પણ તલસ્પર્શી તપાસ થવી આવશ્યક છે. આ તમામ રિસોર્ટોમાં પાણીની વપરાશ કેટલી છે, કયા કયા રિસોર્ટ અને ટાવરમાં વ્યવસાયિક દબાણો ચાલી રહ્યા છે અને જમીનોની માપણી કેટલી પારદર્શક છે તેની સાચી હકીકત તપાસ માંગે છે.
વધુમાં, અનેક રાજકીય આગેવાનોએ મોટું કોભાંડ આચરીને જમીનો ઉપર મોટા દબાણો ઊભા કરી લીધા છે અને પોતે નેતા હોવાની શેખી મારીને તપાસ અટકાવવાનો પ્રયાસ કરે છે. ધોળાવીરા વિસ્તારમાં સફાઈના કામોની સ્થિતિ પણ શૂન્યવત છે અને હોટલો તથા રિસોર્ટો પાસે ફૂડ લાયસન્સ તેમજ અન્ય વૈધાનિક પરવાનગીઓ છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ થાય તો આ પ્રકરણનું મોટું કોભાંડ બહાર આવી શકે તેમ છે. જ્યારથી આ લોકોએ લાયસન્સ લીધા છે ત્યારથી લઈને અત્યાર સુધીનો પ્રોફેશનલ ટેક્સ અને લાઈટ બિલની જો સઘન તપાસ કરવામાં આવે, તો તંત્રની રહેમનજર હેઠળ ચાલી રહેલા આ મોટા કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે તેવું સ્થાનિક જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.
.........

Comments