Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં બુટલેગરોનો ‘લક્ઝરી’ ટ્રેન્ડ : દારૂની હેરાફેરી માટે હવે ખટારા નહીં, ક્રેટા અને ફોર્ચ્યુનરનો ઉપયોગ 

31 October



સરહદ પર માલ રાખવામાં આવે છે, ઓર્ડર પ્રમાણે માલ મોકલી દેવાતો હોવાની અપનાવાય છે પદ્વતિ..

આડેસરથી માંડવી સુધી લાખોના દારૂ સાથે મોંઘીદાટ કારો પકડાઈ, પણ દર વખતે ચાલકો કેમ ફરાર થઈ જાય છે ? મુખ્ય સપ્લાયર અને ફાઇનાન્સર સુધી પોલીસના હાથ પહોંચશે કે નહીં 



ભુજ - કચ્છઉદય : ગુજરાતમાં દારૂબંધી છે, પણ કચ્છમાં બુટલેગરો હવે પોલીસથી એક કદમ આગળ ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચેકિંગ દરમિયાન શંકા ન જાય તે માટે હવે દારૂની હેરાફેરીમાં સામાન્ય વાહનોને બદલે ટાટા હેરિયર, ટોયોટા ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો અને ક્રેટા જેવી લક્ઝ્યુરિયસ કારો મેદાનમાં ઉતારવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં જ પૂર્વ કચ્છના આડેસરથી લઈને પશ્ચિમ કચ્છના માંડવી સુધી પોલીસે લાખો રૂપિયાનો દારૂ અને મોંઘી કારો જપ્ત કરી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના કિસ્સામાં પોલીસને જોતાં જ બુટલેગરો લાખોની કાર અને માલ રસ્તા પર જ મૂકીને હવામાં ઓગળી જાય છે.કાર્યવાહીના કેટલાક કિસ્સાઓની વાત કરીએ તો, આડેસર ચેકપોસ્ટ પાસે પોલીસે ટાટા હેરિયર રોકવાનો પ્રયાસ કરતા ચાલકે યુ-ટર્ન મારી કાર ભગાડી હતી. દોડધામમાં કાર ડિવાઇડર પર ચડી ગઈ અને ડ્રાઇવર ફરાર થઈ ગયો. કારમાંથી ૧,૮૬૭ વિદેશી દારૂની બોટલ મળી આવી, કુલ રૂ. ૧૨.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો. ગાંધીધામ એલસીબીએ મોમાયમોરા રણ તરફથી આવતી ઇનોવા કારનો પીછો કરતાં ડ્રાઇવર વાહન મૂકી ફરાર થયો, અંદરથી રૂ. ૨.૭૪ લાખનો દારૂ મળ્યો. જ્યારે કાનપર ઉમૈયા સીમમાં ફોર્ચ્યુનર કારને આંતરતા ચાલક ખેતરમાં નાસી છૂટ્યો, અહીં કાર અને દારૂ સહિત રૂ. ૧૪.૪૮ લાખનો મુદ્દામાલ પકડાયો હતો. રાપર પોલીસના નાઇટ પેટ્રોલિંગમાં સ્કોર્પિયોનો પીછો કરાયો હતો. સ્પીડમાં ભાગતા ટાયર ફાટી ગયા અને ચાલક ફરાર થઈ ગયો. સામખિયાળીમાં પણ પોલીસે પીછો કરતા ક્રેટા કારનો ચાલક શ્રીકૃષ્ણ ગૌશાળાની દીવાલ પાસે કાર મૂકીને ભાગી ગયો. અહીંથી કાર સહિત રૂ. ૧૫.૦૫ લાખનો મુદ્દામાલ મળ્યો હતો.માંડવીના પાંચોટિયામાં બંધ મકાનમાંથી રૂ. ૩.૨૬ લાખ અને અન્ય એક ક્રેટા કારમાંથી અઢી લાખનો દારૂ ઝડપાયો. જ્યારે અંજારના ભુવડ ગામ નજીક જંગી વાડી વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ, જેમાં રૂ. ૨.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. લાખોની કિંમતની હેરિયર, ફોર્ચ્યુનર કે ક્રેટા દારૂની હેરાફેરીમાં વપરાય છે, તો આ કારોની વાસ્તવિક માલિકી કોની છે ? શું તે ભાડે લેવાયેલી છે ? દર વખતે પોલીસના પીછા દરમિયાન ચાલકો વાહન મૂકીને આસાનીથી ફરાર થઈ જાય છે. આ માલ ક્યાંથી આવે છે, કયા માર્ગે પરિવહન થાય છે અને કોને પહોંચાડવાનો 
હોય છે ?કચ્છમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસની સતત કામગીરી પ્રશંસનીય છે, પરંતુ જ્યાં સુધી માત્ર પ્યાદાં અને વાહન પકડવાને બદલે દારૂ પૂરો પાડતા અસલ સપ્લાયરો, ખરીદદારો અને તેને ફાઇનાન્સ કરતા મોટા માથાઓ સુધી તપાસ નહીં પહોંચે, ત્યાં સુધી આ દૂષણ અટકવું મુશ્કેલ છે. હવે જોવાનું એ રહે છે કે આ હાઈ-પ્રોફાઈલ શરાબ સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડ સુધી પોલીસના હાથ ક્યારે પહોંચે છે.

 

Comments

COMMENT / REPLY FROM