નિરોણાની એસએસપીએ હાઈસ્કૂલમાં સ્પેશિયલ ટીચરને નિવૃત્તિની ભાવસભર વિદાય અપાઈ
નિરોણા - કચ્છઉદય : સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નીરોણા ખાતે આઈઈડીએસએસ યોજના અંતર્ગત સ્પેશિયલ ટીચર તરીકે ફરજ બજાવતા શંકરભાઈ જી. પ્રજાપતિના વય નિવૃત્તિ પ્રસંગે શાળા પરિવાર દ્વારા ભાવસભર વિદાય અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ, વિશિષ્ટ મહેમાનો, શિક્ષકો, વાલીઓ અને સામાન્ય સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિએ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય તથા સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેમાનોનું સાલ, પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ડૉ. વિ.એમ. ચૌધરીએ શાબ્દિક સ્વાગત કરી પ્રસંગોચિત ઉદબોધનમાં શંકરભાઈની લાંબી સેવાયાત્રા, કાર્યનિષ્ઠા, સમર્પણ અને દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટેના તેમના યોગદાનને બિરદાવ્યું હતું. શાળાના શિક્ષિકા અલ્પાબેન બુચિયા દ્વારા શંકરભાઈ માટે તૈયાર કરવામાં આવેલું ભાવસભર સન્માનપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળા પરિવાર વતી તેમને શ્રીફળ, સાકરનો પડો, ભગવદ્ ગીતા, પુષ્પગુચ્છ, સાલ, સન્માનપત્ર તથા કચ્છની વિશ્વવિખ્યાત રોગન આર્ટની ફ્રેમ અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્પેશિયલ ટીચર એસોસિયેશનના પ્રમુખ કિરીટસિંહ ઝાલા, કચ્છ દિવ્યાંગ મંચના પ્રમુખ માલશીભાઈ માતંગ, પ્રાથમિક કુમાર શાળાનાં આચાર્યા કંચનબેન વડોર, કુમાર શાળાના આચાર્ય અબ્દુલભાઈ તથા દિવ્યાંગ બાળકોના વાલીઓ દ્વારા પણ શંકરભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારંભનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે નિવૃત્તિના પ્રસંગે શંકરભાઈએ શાળા પ્રત્યેની પોતાની આત્મીયતા વ્યક્ત કરતાં શાળાને ત્રણ પ્લાસ્ટિક ટેબલ અને એક ટીપોઇ પ્રતિકાત્મક ભેટરૂપે અર્પણ કરી તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવેલ હતો. તેમણે પોતાની શાળાકીય સેવાઓનાં સંસ્મરણો વાગોળતાં સહકર્મીઓ, વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર સાથેના અનુભવો રજૂ કર્યા હતા. આ તકે શાળાની વિદ્યાર્થીની વંશી ભાનુશાલીએ શંકરભાઈ વિશે પોતાના હૃદયસ્પર્શી મંતવ્યો રજૂ કરી તેમના પ્રત્યેની લાગણી અને આદર વ્યક્ત કર્યો હતો.
સ્પેશિયલ ટીચર એસોસિયેશનના પ્રમુખ કિરીટસિંહ ઝાલાએ પોતાના પ્રેરક ઉદબોધનમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના શિક્ષણમાં સ્પેશિયલ શિક્ષકોની ભૂમિકા અને શંકરભાઈની સેવાઓને બિરદાવી હતી. તેમણે નિવૃત્તિ એ સેવા યાત્રાનો અંત નહીં, પરંતુ જીવનના નવા અધ્યાયનો પ્રારંભ હોવાનું જણાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, શંકરભાઈ જી. પ્રજાપતિએ તા. ૨/૦૮/૨૦૦૪થી આજદિન સુધી પોતાની સેવાઓ દ્વારા દિવ્યાંગ બાળકોના શિક્ષણ, સશક્તિકરણ, સ્વાવલંબન અને સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. બાળકોને શિક્ષણની સમાન તક ઉપલબ્ધ કરાવવી, સરકારી સહાયનો લાભ અપાવવો તથા રમતગમત અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં તેમની પ્રતિભાને ઉજાગર કરવા માટે તેમણે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી.
“સેવા એ જ સાધના, સમર્પણ એ જ સંસ્કાર અને માનવતા એ જ જીવનનું સર્વોચ્ચ સન્માન” - આ ઉક્તિને સાર્થક કરતી શંકરભાઈની સેવાયાત્રાને બિરદાવતાં સમગ્ર શાળા પરિવારે તેમને નિવૃત્તિ પછીના જીવનમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા ક્રિષ્નાબેન ગોરે કરેલ હતું. જ્યારે આભારવિધિ શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવેલ હતી.
------

Comments