દિવાળીના તહેવારોમાં કચ્છમાં પીવાના પાણીનો કાપ ન મુકવા રાજેશ આહિરની તંત્રને અપીલ
તહેવારોના દિવસોમાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે આગોતરું આયોજન કરવા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાની અપીલ
ભુજ - કચ્છઉદય : દિવાળીના પવિત્ર તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે અને તહેવારો દરમિયાન પાણી વિતરણમાં કોઈપણ પ્રકારનો કાપ મૂકવામાં ન આવે તે માટે કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા રાજેશ આહિરે વહીવટી તંત્ર સમક્ષ અનુરોધ કર્યો છે.
રાજેશભાઈ આહિરે જણાવ્યું હતું કે, દિવાળી એ સૌના માટે આનંદ, ઉત્સાહ અને ઉજવણીનો પર્વ છે. આ તહેવાર દરમિયાન ઘરની સાફસફાઈ, રંગરોગાન, ધાર્મિક પૂજા-અર્ચના, મહેમાનોની અવરજવર સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં પાણીની જરૂરિયાત સામાન્ય દિવસો કરતાં વધુ રહેતી હોય છે. ત્યારે આવા સમયે પીવાના પાણીના વિતરણમાં કાપ મૂકવામાં આવે અથવા પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો સામાન્ય નાગરિકો, મહિલાઓ, બાળકો અને વડીલોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ખાસ કરીને કચ્છ જિલ્લો અછત અને ઓછા વરસાદની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. પાણીની ઉપલબ્ધતા અને વિતરણને લઈને તંત્ર સામે અનેક પડકારો છે તે બાબત પણ સૌ જાણે છે. તેમ છતાં તહેવારોના દિવસોમાં લોકોને પીવાના પાણીથી વંચિત ન રહેવું પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવું જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર શહેરી વિસ્તારો જ નહીં, પરંતુ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં પણ પાણી વિતરણ વ્યવસ્થા સુચારુ રહે તે માટે સંબંધિત પાણી પુરવઠા વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો વચ્ચે સંકલન જાળવવામાં આવે. જ્યાં પાણીની અછત હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી ટેન્કર મારફતે પણ જરૂરિયાત મુજબ પાણી પહોંચાડવામાં આવે. દિવાળીના તહેવારો દરમિયાન પાણી વિતરણનો સમય નિશ્ચિત રાખવા, પાણીની લાઈનોમાં કોઈ ખામી સર્જાય તો તાત્કાલિક સમારકામ કરવા તેમજ જરૂરીયાત મુજબ વધારાના પાણીનો જથ્થો ઉપલબ્ધ રાખવા પણ તેમણે તંત્રને અપીલ કરી છે. રાજેશ આહિરે અંતમાં જણાવ્યું હતું ક,ે કચ્છના નાગરિકો તહેવારો આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવી શકે તે માટે પીવાનું પાણી જેવી પાયાની સુવિધામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે વહીવટી તંત્રની પ્રાથમિક જવાબદારી છે. જેથી દિવાળીના તહેવારો દરમિયાન કચ્છના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે અને પાણી વિતરણમાં કોઈપણ પ્રકારનો કાપ ન મુકવામાં આવે તે માટે તંત્ર દ્વારા સંવેદનશીલતાપૂર્વક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની લાગણીસભર અપીલ છે.
-----

Comments