રતનપરમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ
મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાયના હુકમ વિતરીત કરાયાં
ભચાઉ - કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ભીલડી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભચાઉ તાલુકાના રતનપર ખાતે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી.
સાંગવારી માતાજી મંદિર યોજાયેલા કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રગતિશીલ ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો ખેડૂતો સાથે પ્રધાનમંત્રીના લાઇવ કાર્યક્રમમાં જોડાયાં હતાં અને મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રીનું ઉદબોધન નિહાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪ મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેનાથી દેશના ૯.૩૪ કરોડ ખેડૂત કુટુંબોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય અને ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૦૫૧ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, આગેવાનો તથા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
--------

Comments