ગુજરાતને બે નવી રેલ સેવાઓની ભેટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી
મહેસાણા - બેચરાજી - સાબરમતી મેમુ અને સાબરમતી - વારાણસી એક્સપ્રેસનો પ્રારંભ : શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને થશે લાભ
અમદાવાદ-કચ્છ ઉદય : ગુજરાતના રેલવે મુસાફરોને બે નવી ટ્રેન સેવાઓની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ ઓક્ટોબરે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી મહેસાણા - બેચરાજી - સાબરમતી મેમુ અને સાબરમતી-વારાણસી એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સેવાઓથી ધાર્મિક સ્થળો ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારો અને ત્રણ રાજ્યો વચ્ચેની રેલવે સુવિધા વધુ મજબૂત બનશે.
બેચરાજી રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર અને અમદાવાદના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સાબરમતી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ રાજેશ શુક્લા, ધારાસભ્યો અમિતભાઈ શાહ, ડૉ. હર્ષદભાઈ પટેલ, જિતેન્દ્ર કુમાર પટેલ, કૌશિક જૈન, અમૂલ ભટ્ટ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશ સિંહ કુશવાહ, ડૉ. પાયલબેન કુકરાણી, કંચનબેન રાદડિયા તથા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે બેચરાજી સુધીની મેમુ સેવા શરૂ થવાથી બહુચર માતાજીનાં દર્શને આવતા શ્રદ્ધાળુઓ ઉપરાંત મારુતિ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટ સહિતના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને લાભ મળશે. વર્ષ ૧૯૦૮માં શરૂ થયેલી આ રેલવે લાઇન પર પહોળા પાટાનું કામ પૂર્ણ થયા બાદ ફરી મુસાફર સેવા શરૂ થઈ છે. સાબરમતી, અમદાવાદ, કલોલ, કડી, કટોસણ રોડ, ચાણસ્મા, રણુંજ, મહેસાણા અને બેચરાજી વચ્ચે મુસાફરી સરળ બનશે. સાબરમતીથી બેચરાજીનું ભાડું રૂ.૨૫, રણુંજનું રૂ.૩૦ અને મહેસાણાનું રૂ.૩૫ રહેશે. બેચરાજી સુધીની માસિક મુસાફરી ટિકિટ રૂ.૩૫૫, વિદ્યાર્થીઓ માટે રૂ.૧૮૦ તથા ૬૦ કિલોગ્રામ સુધી સામાન લઈ જતા નાના વેપારીઓ અને ખેડૂતો માટે રૂ.૫૩૫ નક્કી કરાયું છે.
બીજી નવી સેવા સાબરમતીથી વારાણસી વચ્ચે દૈનિક એક્સપ્રેસ તરીકે શરૂ કરાઈ છે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, મંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા જંક્શન, ટુંડલા જંક્શન, ગોવિંદપુરી, સુબેદારગંજ અને મિર્ઝાપુર સ્ટેશનો પર સ્ટોપ લેશે.
વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ ધામનાં દર્શને જતા ગુજરાત અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓને આ ટ્રેનથી સીધી રેલવે સુવિધા મળશે. વેપારીઓ, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને પણ લાભ થશે. બંને નવી સેવાઓથી ધાર્મિક પ્રવાસન, વેપાર-વાણિજ્ય અને પ્રાદેશિક રેલવે જોડાણને વેગ મળશે.
--------

Comments