ભુજ તાલુકાના નાના વરનોરામાં ગૌવંશનું કતલખાનું ઝડપાયું
એલસીબીએ દરોડો પાડી ૧૫૦ કિલો માંસ સહિત રૂ.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે માધાપર પોલીસ મથકની હદમાં આવેલા નાના વરનોરા ગામે ગેરકાયદે ચાલતા ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કરી ૧૫૦ કિલો ગૌવંશનું માંસ સહિત કુલ રૂ.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે નાના વરનોરાના ત્રણ શખ્સો સામે માધાપર પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે.
પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના મુજબ પશુઓની ગેરકાયદે હેરાફેરી, ગૌવંશનાં કતલખાનાં અને માંસના વેચાણ સામે કાર્યવાહી કરવા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીને ખાનગી રાહે બાતમી મળી હતી કે નાના વરનોરા ગામે ઈબ્રાહીમ ઈશા અબડાના રહેણાક મકાનમાં ગૌવંશનું ગેરકાયદે કતલ કરવામાં આવી રહ્યું છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર તપાસ કરતાં મકાનમાં કોઈ શખ્સ હાજર મળી આવ્યો નહોતો. જોકે, એક રૂમમાં કંતાન પર ગૌવંશનાં કતલ કરાયેલાં માંસના ટુકડા પડેલા જોવા મળ્યા હતા. જ્યારે મકાનના આંગણામાં પણ ગૌવંશનાં અવશેષો મળી આવ્યા હતા. વેટરનરી તબીબ પલક વૈદ્યને સ્થળ પર બોલાવી તપાસ કરાવતાં તેમણે મળી આવેલું માંસ ગૌવંશનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી અંદાજે ૧૫૦ કિલો ગૌવંશનું માંસ, લાકડાનો ટુકડો, કોયથો, કુહાડી, ત્રણ નાની-મોટી છરી, એક મોબાઈલ ફોન, ચૂંટણી કાર્ડ, મકાનનું ઓળખકાર્ડ, કાળા રંગના ઝબલાંનું પેકેટ તેમજ મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર જીજે ૧૬ બીબી ૭૯૩૩ સહિત કુલ રૂ.૧.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં ઈબ્રાહીમ ઈશા અબડા, ખાલીદ ઈશા અબડા અને ઓસમાણગની ઉર્ફે કારો ઈસ્માઈલ મમણ (ત્રણેય રહે. નાના વરનોરા, તા.ભુજ) સામે માધાપર પોલીસ મથકે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવ સમયે ત્રણેય આરોપીઓ સ્થળ પર હાજર મળ્યા નહોતા. માધાપર પોલીસમાં ફરિયાદ દાખલ થયા બાદ આગળની તપાસ પીએસઆઈ એન. જે. ભગોરાએ હાથ ધરી છે.

Comments