કેરા પીએચસી ખાતે ૪૨ કિલોથી ઓછું વજન ધરાવતી સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરાયું
કેરા - કચ્છઉદય : સગર્ભા માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા તેમજ માતા અને બાળકના સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થાય તેવા ઉમદા હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કેરા ખાતે ૪૨ કિલોથી ઓછું વજન ધરાવતી તમામ સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્ય માટે દાતા લાલજીભાઈ કરસનભાઈ કેરાઈ દ્વારા પોષણ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સગર્ભાવસ્થા દરમિયાન માતાને પૂરતું અને સંતુલિત પોષણ મળવું ખૂબ જ જરૂરી છે. માતાનું ઓછું વજન તથા પોષણની ઉણપ માતા અને આવનાર બાળકના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. ખાસ કરીને ઓછી વજન ધરાવતી સગર્ભા માતાઓને સમયસર પોષણ સહાય મળી રહે અને તેમના સ્વાસ્થ્યની યોગ્ય કાળજી લેવામાં આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ૪૨ કિલોથી ઓછું વજન ધરાવતી તમામ સગર્ભા બહેનોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે સગર્ભા માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક આહાર લેવા, આરોગ્યની નિયમિત તપાસ કરાવવા, આરોગ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સલાહનું પાલન કરવા તેમજ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગેે પીએચસી કેરાના મેડિકલ ઓફિસર ડૉ. ધવલ સર, આયુષ મેડિકલ ઓફિસર ડૉ. યસમિતાબા, એફએચએસ કુંજલબેન તથા પીએચસી કેરાના તમામ આશા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સગર્ભા માતાઓના સ્વાસ્થ્ય અને પોષણ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમાજમાં માતા અને બાળકના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે તેમજ જરૂરિયાતમંદ સગર્ભા માતાઓને પોષણ સહાય મળી રહે તે માટે દાતા લાલજીભાઈ કરસનભાઈ કેરાઈ દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિ પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે. આવા સેવાભાવી દાતાઓના સહયોગથી આરોગ્યલક્ષી કામગીરીને વધુ વેગ મળે છે અને સમાજમાં સેવાભાવનાની ભાવના મજબૂત બને છે. આ ઉમદા સેવાકીય કાર્ય અને સહયોગ બદલ પીએચસી કેરા પરિવાર દ્વારા દાતા લાલજીભાઈ કરસનભાઈ કેરાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
-----

Comments