જિલ્લા વહીવટી તંત્ર અને જીએસડીમેઓના સંયુક્ત ઉપક્રમે પિંગલેશ્વર દરિયાકાંઠે સુનામી અંગેની મોકડ્રિલ યોજાઇ
નલિયા - કચ્છઉદય : યુનેસ્કોના ત્સુનામી રેડી રેકગ્નાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના પિંગલેશ્વર (રાપરગઢ) દરિયાકાંઠાના વિસ્તારનો સુનામી સંભવિત વિસ્તારમાં સમાવેશ થતો હોઇ જાગૃતિ તથા આપત્તી સમયે અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવાના હેતુથી આજરોજ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોકડ્રિલના આયોજન માટે નોડલ ઓફિસર તરીકે પ્રાંત અધિકારી, અબડાસા, સહ નોડલ અધિકારી તરીકે મામલતદાર-અબડાસા અને ટીડીઓ - અબડાસાની નિમણૂંક કરવામાં આવી હતી. નોડલ અધિકારી દ્વારા સબંધિત વિભાગના અધિકારીઓ સાથે મોકડ્રીલના આયોજન માટે ટેબલ ટોપ એક્સરસાઇઝ હાથ ધરી જરૂરી તૈયારી તેમજ મોકડ્રીલ દરમિયાન કરવાની રહેતી કામગીરીથી તમામને વાકેફ કરવામાં આવ્યા હતા. આ મોકડ્રીલ કાર્યક્રમમાં રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાનિકે વહીવટી તંત્રને જરૂરી સહયોગ પુરો પાડવામાં આવ્યો હતો.
મોકડ્રીલ સમયે ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, ગાંધીનગર દ્વારા ઈન્ડિયન ત્સુનામી અર્લી વોર્નિંગ સેન્ટર, ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓસન ઈન્ફોર્મેશન સર્વિસિસ મારફતે મળતી માહિતી સાથેના બુલેટીન મોકલી અને સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ભુજ તરફથી મળેલા મેસેજ મુજબ તબક્કાવાર સ્થાનિકે એલર્ટ આપવામાં આવ્યું હતું.
સંભવિત આપત્તિ અંગેની જાણ મંદિર અને મસ્જિદમાં લાગેલા લાઉડ સ્પીકર દ્વારા ચેતવણી આપીને કરવામાં આવી હતી સાથે જ સગર્ભા મહિલા, આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો સહીત ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોકડ્રીલ દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતેથી ૨૫ બાળકો, પ્રાથમિક શાળાના ૪૯ બાળકો, ૪૦૧ ગ્રામજનો, ૩ ગર્ભવતી મહિલાઓ, ૮૮૮ પશુઓ, ૩ માછીમારોને સેફ સેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મોકડ્રિલ બાદ ડી-બ્રિફિંગમાં ઉપસ્થિત નિરીક્ષકોએ મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને સંબંધિત વિભાગો સાથે વિગતવાર ચર્ચા કરી રીવ્યુ લેવામાં આવ્યો હતો.
-----

Comments