રોડ સેફ્ટી અંતર્ગત પશુઓ સાથે વાહન અકસ્માત નિવારવા રિફ્લેક્ટેડ રેડિયમ પટ્ટી લગાડાઈ
કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગ, પશ્ચિમ કચ્છ પોલિસ વિભાગ, આરટીઓ કચેરી - ભુજ અને એસપીસીએ કચ્છની સંયુક્ત કામગીરી
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં નવેમ્બરથી માર્ચ ૨૦૨૬ સુધી કચ્છ જિલ્લામાં વિવિધ પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓની વધારે પ્રમાણમાં અવર-જવર રહેતી હોય છે, જે અન્વયે કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત ભુજથી ધોરડો જે બહોળુ પશુધન ધરાવતું વિસ્તાર છે. જ્યાં રાત્રીનાં સમયે પ્રવાસીઓ અને અન્ય સ્થાનિક લોકોનાં ભુતકાળનાં પશુઓ સાથે રોડ અકસ્માત થયેલ હતા, જે અટકાવવા માટે પશુપાલન વિભાગ - કચ્છ, પોલિસ વિભાગ (પશ્ચિમ કચ્છ), આરટીઓ કચેરી - ભુજ અને પ્રાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સોસાયટી કચ્છનાં સંયુક્ત ઉપકમે ગાય અને ભેંસ વર્ગનાં પશુઓનાં શીંગડા પર રિફ્લેક્ટેડ લાલ રેડિયમ પટ્ટી લગાડવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ૩૩૦ જેટલા પશુઓને આવરી લેવામાં આવેલ હતાં. આ કાર્યક્રમ નવેમ્બરથી માર્ચનાં પ્રવાસીઓનાં ટુરીઝમ મહિના દરમ્યાન સતત ચાલુ રહેશે.
આ કાર્યક્રમમાં પ્રાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સોસાયટી કચ્છનાં ઓર્થોરાઈઝડ પર્સન જયેન્દ્ર ભાટિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ભીરંડીયારા, તા.ભુજનાં ડૉ. પલકબેન વૈધ, આરટીઓ કચેરી - ભુજનાં અધિકારી, હિતેશભાઈ ચૌધરી અને પોલિસ વિભાગ (પશ્ચિમ કચ્છ)નાં જિલ્લા ટ્રાફિક પીએસઆઈ આર.વી. જોષી હાજર રહ્યા હતાં તેવું નાયબ પશુપાલન નિયામક ડૉ. રાજેશ પટેલ દ્વારા જણાવાયું હતું.
------

Comments