મહિલા કલ્યાણ કેન્દ્રમાં દીપોત્સવની આગોતરી ઉજવણી કરાઈ
ભુજ - કચ્છઉદય : જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી મહાવીર પ્રભુના ૨૫૫૨મા નિર્વાણ કલ્યાણકની પખવાડિક ઉજવણીના ભાગરૂપે મહિલા કલ્યાણ કેન્દ્રમાં દીપોત્સવની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રની ૫૮ બાલિકાઓ અને બહેનોને વિવિધ વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી.
સ્વ. ચેતન મેહતાની સ્મૃતિમાં સેવા પ્રવૃત્તિઓ કરતી સંસ્થા દ્વારા પ્રમુખ વેલજીભાઈ મેહતાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય દાતા માતુશ્રી કમલાવંતીબેન શશીકાંતભાઈ મોરબીયા તથા માહિ ક્રિએશન અને ચાર્મી ક્રિએશન, મુંબઈનો સહયોગ સાંપડ્યો હતો. સર્વધર્મ સમભાવની પ્રાર્થના સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. પ્રમુખ કમળાબેન વ્યાસે ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. દીપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓની આપ-લે બાદ તમામ ૫૮ બહેનોને શુદ્ધ ઘીની મીઠાઈ, નમકીન અને બ્રાન્ડેડ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેબી બેડ, ઘોડિયાં સહિતની ઉપયોગી વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી હતી. પ્રસંગે સંસ્થાના પ્રમુખ વેલજીભાઈ મહેતાએ ચાલુ વર્ષે ફટાકડા ન ફોડવા અને અબોલ જીવોને અભયદાન આપી જીવદયાનો સંદેશ સાકાર કરવા અપીલ કરી હતી. જેને ઉપસ્થિતોએ આવકાર્યો હતો. કાર્યક્રમની સફળતા માટે શાંતિલાલ મોતા, ભાવનાબેન જોશી, ગિરીશભાઈ પારેખ, પ્રદીપભાઈ દોશી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ રાજગોરે કર્યું હતું, જ્યારે આભારવિધિ દીપાલીબેન શુક્લએ કરી હતી.
----------

Comments