ઉમંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં નખત્રાણા ટીમે ક્રિકેટનો ખિતાબ જીત્યો
ભુજ - કચ્છઉદય : જિલ્લા પંચાયત કચ્છ દ્વારા આયોજિત ઉમંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ અંતર્ગત યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં નખત્રાણા તાલુકાની ટીમે શાનદાર દેખાવ કરી વિજેતા બનવાનું ગૌરવ મેળવ્યું હતું. કચ્છના નવ તાલુકા અને જિલ્લા પંચાયતની ટીમ સહિત કુલ ૧૦ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
ટુર્નામેન્ટમાં ભચાઉ સામે નખત્રાણા અને રાપર સામે માંડવી વચ્ચે સેમિફાઇનલ મુકાબલા રમાયા હતા. જેમાં નખત્રાણા અને રાપરની ટીમ વિજયી થતાં બંને વચ્ચે ફાઇનલ જંગ ખેલાયો હતો. ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા રાપર તાલુકાની ટીમે ૧૫ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૧૧૨ રન નોંધાવ્યા હતા. રાપર તરફથી આશિફભાઈએ ૨૬ બોલમાં ૩૮ અને જીવન ભરવાડે ૧૮ બોલમાં ૨૧ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે નખત્રાણાના નિલેશ પટેલે ત્રણ ઓવરમાં ૨૦ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જવાબમાં મેદાનમાં ઉતરેલી નખત્રાણા તાલુકા પંચાયતની ટીમે આક્રમક બેટિંગ કરીને માત્ર ૧૨.૨ ઓવરમાં જ બે વિકેટના ભોગે ૧૧૩ રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. નખત્રાણા તરફથી હિતેશ વાઘેલાએ ૩૬ બોલમાં અણનમ ૫૪ રન, અતુલ ભદ્રએ ૨૪ બોલમાં ૩૨ અને હાર્દિક ગઢવીએ ૧૩ બોલમાં ૧૯ રન બનાવી ટીમને વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નખત્રાણા ટીમનું નેતૃત્વ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિજય મેળવવા બદલ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
-------------------

Comments