ગાંધીધામમાં જિલ્લા કક્ષાની જુનિયર વોલીબોલ સ્પર્ધાનું ભવ્ય સમાપન
બિદડા શિશુમંદિર સ્કૂલ બની ચેમ્પિયન, વિજેતા ટીમો અને ખેલાડીઓનું કરાયું સન્માન
ગાંધીધામ - કચ્છ ઉદય : ગાંધીધામના રામબાગ સ્થિત ૯૦મી બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સના પરિસરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની જુનિયર વોલીબોલ સ્પર્ધાનો ભવ્ય સમાપન કરવામાં આવ્યો હતો. ચાર દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી ૧૬ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રમતગમતની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
સમાપન સમારોહમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમની સાથે બીએસએફ ભુજ ક્ષેત્રના ઉપ મહાનિરીક્ષક વાય. એસ. રાઠોડ, ૯૦મી બટાલિયનના કમાન્ડન્ટ વિજય કુમાર, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર બી.ડી. દવેરા સહિત બીએસએફના અધિકારીઓ, નાગરિક વહીવટી તંત્રના પ્રતિનિધિઓ, આમંત્રિત મહેમાનો અને મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૨૮ સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ સ્પર્ધામાં ગાંધીધામ, અંજાર, માંડવી, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોની શાળાઓ અને રમતગમત ક્લબોની ટીમોએ ભાગ લીધો હતો. અંતિમ પરિણામ મુજબ માંડવીની શિશુમંદિર બિદડા સ્કૂલે પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો હતો. ભુજની એમ.એસ.વી. હાઈસ્કૂલ રનર-અપ રહી હતી જ્યારે આદિપુરની મૈત્રી વોલીબોલ ક્લબે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
સમારોહ દરમિયાન વિજેતા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગાંધીધામ ટિમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીત ગજ્જર તથા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કંગડના સહયોગથી ટીમોને વિશેષ રોકડ પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. વિજેતા, રનર-અપ અને ત્રીજા ક્રમે રહેલી ટીમોને પ્રોત્સાહનરૂપે રોકડ ઇનામો અપાયા હતા, જ્યારે શ્રેષ્ઠ ખેલાડીઓને પણ વિશેષ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોમાં રમતગમત પ્રત્યેનો રસ વધે અને શિસ્ત, ખેલદિલી તેમજ સ્વસ્થ સ્પર્ધાની ભાવના મજબૂત બને તેવા પ્રયાસોની પ્રશંસા કરી હતી. સ્પર્ધાના સફળ આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
-----------

Comments