Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ માટે અલગ શહેરી વહીવટી માળખાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

30 September


નગરપાલિકાઓના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે ભુજમાં પ્રાદેશિક કચેરી સ્થાપવાની દરખાસ્ત

ભુજ-કચ્છ ઉદય : કચ્છની નગરપાલિકાઓને લગતા વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે ભુજ ખાતે પ્રાદેશિક સ્તરની કચેરી શરૂ કરવાની માંગ સાથે ભુજ નગરપાલિકાના વોર્ડ નં. ૨ના નગરસેવિકા અંજલી અશ્વિનભાઈ ગોરે રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. 
રજૂઆતમાં જણાવાયું છે કે કચ્છ જિલ્લાના શહેરી વિસ્તારોને લગતી વિવિધ બાબતો માટે હાલ રાજકોટ સ્થિત પ્રાદેશિક કચેરીનો સંપર્ક કરવો પડતો હોવાથી સમય અને અંતરના કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. રજુઆતમાં જણાવ્યા મુજબ, કચ્છમાં આવેલી સાતેય નગરપાલિકાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને વિવિધ પ્રશ્નો, મંજૂરીઓ તથા રજૂઆતો માટે લાંબું અંતર કાપીને રાજકોટ જવું પડે છે. કચ્છના વિશાળ વિસ્તાર અને વધતી શહેરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભુજમાં પ્રાદેશિક કચેરી કાર્યરત કરવામાં આવે તો સ્થાનિક સ્તરે વહીવટી પ્રક્રિયાઓ વધુ સરળ બની શકે છે. નગરસેવિકાએ તાજેતરમાં થયેલા પ્રાદેશિક અધિકારીના કચ્છ પ્રવાસનો ઉલ્લેખ કરતાં શહેરોના મૂળભૂત પ્રશ્નો પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. તેમણે ગટર વ્યવસ્થા, પીવાના પાણીની સમસ્યા, સફાઈ અને વિકાસથી વંચિત વિસ્તારોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની માંગ કરી છે. સાથે જ સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે વધુ અસરકારક સંકલન જળવાય તેવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં કચ્છની નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસકાર્યો અને પ્રજાહિતના પ્રશ્નો અંગે વિસ્તૃત સમીક્ષા કરાવવા તેમજ શહેરી વિસ્તારોમાં વહીવટી તંત્રને વધુ જવાબદાર અને સુલભ બનાવવાના પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. આ રજૂઆત બાદ કચ્છમાં શહેરી વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવાની માંગ ફરી એકવાર ચર્ચામાં આવી છે.
----

Comments

COMMENT / REPLY FROM