નખત્રાણામાં વધુ અડધો ઈંચ વરસાદ પડતાં ખેડૂતોમાં હેલી
રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં : દરિયામાં સિસ્ટમ સક્રિય થતાં બે દિવસ ઝાપટાથી મધ્યમ વરસાદની વકી
ભુજ - કચ્છ ઉદય : દરિયામાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે આજે સવારથી ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. નખત્રાણામાં અડધો ઈચ જેટલો વરસાદ પડ્યો છે. ભુજમાં પણ ઝાપટા વરસ્યા છે. હજુ બે દિવસ વરસાદની શકયતા છે. જો કે, રાજ્યની તુલનાએ જોવા જઈએ તો સૌથી ઓછો વરસાદ કચ્છમાં છે. જે બાદ ઉત્તર ગુજરાતનો વારો આવે છે. છેલ્લા ર૮ કલાકમાં કચ્છમાં મોસમનો રપ ટકા વરસાદ પડી ચુકયો છે. સરકારી ચોપડે પ૬.૪૬ ટકા વરસાદ નોંધાયો છે. જો કે, હજુ પણ મેઘરાજાની જરૂરિયાત છે. નખત્રાણા તાલુકામાં આજે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. નાગવીરી ગામે આવેલું તળાવ ઓગની જતાં સરપંચ દ્વારા વધામણા કરાયા હતા. ફોટ નદી જીવંત બનતા પ્રાકૃતિક નજારો જોવા લોકો ઉમટ્યા હતા. ધીણોધર, થાન, નનામો ડુંગર, આમારામાં આવેલ પીંજરકુંડ, કડિયાધ્રો સહિતના સ્થળો સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. ખેતર, વાડીના સીમાડામાં ઘાસ ઉગી નિકળ્યું છે.
નખત્રાણામાં મેઘરાજાની ફરી એક વખત એન્ટ્રીથી ખેડૂતો, પશુપાલકો તેમજ સામાન્ય લોકોના હૈયે ટાઢક વળી છે. ભુજમાં પણ ઝાપટાનો દોર શરૂ થયો છે.
હાલ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારમાં હવાનું હળવું દબાણ સક્રિય છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ પ્રણાલી દિશા બદલીને કચ્છ - સૌરાષ્ટ્ર તરફ આગળ વધી શકે છે. તેના પ્રભાવ હેઠળ ગુરુવાર અને શુક્રવારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

Comments