સીસીઈ પરીક્ષાર્થીઓને સમયસર પહોંચાડવા વધારાની એસટી બસો દોડાવાશે
ભુજ-કચ્છ ઉદય : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૧૬થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (સીસીઈ)ને ધ્યાનમાં રાખીને ભુજ એસ.ટી. વિભાગે પરીક્ષાર્થીઓ માટે વિશેષ પરિવહન આયોજન હાથ ધર્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પરીક્ષા આપવા જનાર ઉમેદવારોને કેન્દ્રો સુધી સરળતાથી અને સમયસર પહોંચાડી શકાય તે માટે નિયમિત બસ સેવાઓ ઉપરાંત જરૂરિયાત મુજબ વધારાની બસો પણ દોડાવવામાં આવશે.
પરીક્ષાના દિવસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખી એસ.ટી. તંત્રે આગોતરા તૈયારીઓ પૂર્ણ કરી છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ સહિતના મુખ્ય રૂટ પર જતા પરીક્ષાર્થીઓને મુસાફરીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરતી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉમેદવારો બસ સ્ટેશન ઉપરાંત એસ.ટી.ના અધિકૃત બુકિંગ એજન્ટો, નિગમની સત્તાવાર મોબાઈલ એપ તેમજ ુુુ.ખ્તજિંષ્ઠ.ૈહ વેબસાઇટ મારફતે પણ ટિકિટ બુક કરાવી શકશે. આ વ્યવસ્થાથી પરીક્ષાર્થીઓને અનુકૂળતા મળશે અને પ્રવાસનું સુચારૂ આયોજન શક્ય બનશે. નિયમિત તેમજ વધારાની બસ સેવાઓ અંગે વધુ માહિતી માટે સંબંધિત ડેપો મેનેજરનો સંપર્ક કરવા ભુજ એસ.ટી. વિભાગ દ્વારા જણાવાયું છે.
-----------

Comments