ભુજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત તાલુકા ટીબી ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ
ભુજ - કચ્છઉદય : “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ભુજ તાલુકામાં ટીબી નાબૂદીની કામગીરીને વધુ સઘન બનાવવા તેમજ ક્ષય રોગ (ટીબી) મુક્ત સમાજના નિર્માણના ઉદ્દેશ્યથી પ્રાંત કચેરી, ભુજ ખાતે તાલુકા ટીબી ટાસ્ક ફોર્સ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક પ્રાંત અધિકારી, ભુજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
તાલુકા હેલ્થ ઓફિસ, ભુજ દ્વારા આયોજિત આ સમીક્ષા બેઠકમાં તાલુકામાં ટીબી નાબૂદીની કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા અંગે વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ટીબી સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવા, સક્રિય ટીબી કેસની ઝડપી શોધખોળ, નિ-ક્ષય પોર્ટલ પર દર્દીઓની સમયસર નોંધણી તથા દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તાલુકા સ્તરે ટીબી નાબૂદીની કામગીરીનું મજબૂત મોનીટરીંગ, જવાબદારીપૂર્વકની વ્યવસ્થા તથા વિવિધ વિભાગો અને સંસ્થાઓ વચ્ચે સંકલન વધારવા અંગે પણ સઘન ચર્ચા કરવામાં આવી હતી. ટીબી દર્દીઓ માટે પોષણ સહાય ઉપલબ્ધ કરાવવા માટે એનજીઓ તથા વિવિધ કંપનીઓ સાથે સંકલન કરી પોષણ કીટ ઉપલબ્ધ કરાવવાની કામગીરીને વધુ વેગ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નિક્ષય મિત્રો, સ્વયંસેવકો તથા વિવિધ સંસ્થાઓના સહયોગથી ટીબી દર્દીઓને પોષણ સહાય મળી રહે તે માટે જરૂરી આયોજન કરવા જણાવાયું હતું. બેઠકમાં એનસીસી તથા માય ભારતના વોલેન્ટિયર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માધ્યમથી ટીબી અંગે જનજાગૃતિ, સક્રિય કેસ શોધખોળ અને ટીબી નાબૂદીના અભિયાનમાં જનભાગીદારી વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ટીએચઓ ભુજ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સીડીપીઆ, નિક્ષય મિત્રો, સ્વયંસેવકો, માય ભારત વોલેન્ટિયર્સ, એનએસએસ તથા એનસીસી કેડેટ્સના પ્રતિનિધિઓ, વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ તેમજ આરોગ્ય વિભાગના ડીપીપીએમસી, એસટીએસ, એસટીએલએસ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે ટીબી નાબૂદી માટે તમામ સંબંધિત વિભાગો, સંસ્થાઓ, સ્વયંસેવકો તથા સામાજિક સંસ્થાઓ દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવે અને “ટીબી મુક્ત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે કામગીરી વધુ સઘન બનાવવામાં આવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
-----

Comments