કાળા ડુંગર ખાતે બે દિવસીય લોકમેળાનું આયોજન
કાર્યક્રમની રૂપરેખા ઘડવા દત્ત વિકાસ સમિતિની મિટીંગ યોજાઈ
ખાવડા - કચ્છ ઉદય : કચ્છ જિલ્લાના સીમાવર્તી અને ઐતિહાસિક કાળા ડુંગર સ્થિત દત્ત મંદિરે તા. ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કાર્યક્રમની રૂપરેખા ઘડવા દત્ત વિકાસ સમિતિના પ્રમુખ વિપુલભાઈ તન્નાના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાઈ હતી, જેમાં માજી પ્રમુખ હિરાલાલ રાજદેના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. તા.રર-૯ના બપોરે પ્રસાદનું આયોજન કરાયું છે, જેના યજમાન મજેઠિયા પરિવાર લોડાઈવાળા તેમજ રાત્રિના પ્રસાદના યજમાન રામદેવજી ગ્રુપ રહ્યા છેે. તા.રર-૯ના રાત્રે જાણીતા કલાકારો નીલેશભાઈ ગઢવી, ભગવતીબેન ગોસ્વામી, રજાક ઉસ્તાદ અને સાથીઓ એચ.વી. સાઉન્ડના સથવારે સંતવાણીની રમઝટ જમાવશે. ચા-નાસ્તાના દાતા ચંપાબેન ગોકલદાસ કુંવરજી મજેઠિયા (આદિપુરવાળા) રહ્યા છે.
તા.ર૩-૯ના સવારે નાસ્તાના દાતા અનંતભાઈ ચમનલાલ તન્ના રહ્યા છે. સવારે ૧૦ વાગ્યે ધૂપ, ધજારોપણ, સામૈયા દર્શન ૧૧.૩૦ વાગ્યે, લોંગ પ્રસાદ ૧ર વાગ્યે અને ૧૧.૩૦ વાગ્યે સન્માન સમારંભ યોજાશે. બપોરના મહાપ્રસાદના દાતા મૂળ ખાવડાના હાલે આદિપુર રહેતા અ.નિ. અંજુબેન લાલચંદભાઈ ગણગણાત્રા પરિવાર હસ્તે ભુપેનભાઈ, રાજુભાઈ રહ્યા છે. મંદિરને ફુલથી શણગારના દાતા રાહુલ, વિવેક, ધ્યાન રહ્યા છે. દત્ત મંદિર ઉપર ખાવડાથી એસટીની વ્યવસ્થા કરવામાં આવી છે તેવું પ્રમુખ વિપુલભાઈ તન્ના અને મંત્રી પંકજભાઈ રાજદેની યાદીમાં જણાવાયું છે.
.........

Comments