પ્રાથમિક શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી માટેનું સમયપત્રક જાહેર
ભુજ ફ કચ્છ ઉદય : રાજ્યના પ્રાથમિક શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી પ્રક્રિયા માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સમયપત્રક મુજબ તા. ૨૧ ઓક્ટોબરના રોજ વધઘટ કેમ્પ અને તા. ૨૨ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર દરમિયાન જિલ્લા આંતરિક બદલી કેમ્પની પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન દર્શાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયામાં ખાલી જગ્યાઓની વિગતો પોર્ટલ પર અપલોડ કરવાથી લઈને શિક્ષકોની ઓનલાઇન અરજીઓ, તાલુકા અને જિલ્લા કક્ષાએ ચકાસણી, રાજ્ય કક્ષાએ વેરિફિકેશન તથા બદલીના હુકમો જારી કરવા સુધીની કામગીરીનો સમાવેશ થાય છે.
જાહેર કરાયેલા સમયપત્રક મુજબ તા. ૨૨ ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઇન પોર્ટલમાં દાખલ કરવાની કામગીરી, તા. ૨૩ ઓક્ટોબરના રોજ ખાલી જગ્યાઓની ચકાસણી તથા તા. ૨૪થી ૨૫ ઓક્ટોબર દરમિયાન શિક્ષકો દ્વારા જિલ્લા આંતરિક બદલી માટે ઓનલાઇન અરજીઓ ભરવાની કામગીરી દર્શાવવામાં આવી છે. ત્યારબાદ તા. ૨૫થી ૨૭ ઓક્ટોબર દરમિયાન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારી દ્વારા અરજીઓની ચકાસણી કરી માન્ય કે અમાન્ય ઠરાવવાનાં કારણો સાથે જિલ્લા કક્ષાએ રજૂ કરવાની કામગીરી નક્કી કરવામાં આવી છે. તા. ૨૭થી ૨૯ ઓક્ટોબર દરમિયાન જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી મંજૂર અથવા નામંજૂર કરવાનો નિર્ણય લેવા, લેખિત કારણો સાથે અરજદારોને જાણ કરવા તથા મંજૂર અરજીઓ અપલોડ કરવાની કામગીરીનો ઉલ્લેખ છે. ત્યારબાદ રાજ્ય કક્ષાએ વેરિફિકેશન અને બદલીના હુકમો જારી કરવાની પ્રક્રિયા હાથ ધરવાની છે.
જિલ્લા આંતરિક બદલીના જનરલ કેમ્પ માટે પણ અલગ સમયપત્રક દર્શાવવામાં આવ્યું છે. તેમાં તા. ૩ નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઇન પોર્ટલમાં દાખલ કરવાની, તા. ૪ નવેમ્બરના રોજ ખાલી જગ્યાઓનું વેરિફિકેશન કરવાની અને તા. ૫થી ૬ નવેમ્બર દરમિયાન શિક્ષકો દ્વારા ઓનલાઇન અરજી કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. આગળની પ્રક્રિયામાં તાલુકા કક્ષાએ અરજીઓની ચકાસણી, જિલ્લા કક્ષાએ અરજીઓ મંજૂર કે નામંજૂર કરવાની કામગીરી અને રાજ્ય કક્ષાએ ચકાસણી બાદ બદલીના હુકમો જારી કરવાનો સમાવેશ થાય છે. જોકે, શિક્ષકોએ સત્તાવાર પરિપત્ર અને ઓનલાઇન પોર્ટલ પરથી તારીખોની ખરાઈ કરવી જરૂરી છે. બદલી પ્રક્રિયાને લઈને પ્રાથમિક શિક્ષકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.હવે શિક્ષકોની અપેક્ષા છે કે સંબંધિત શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર બદલી પ્રક્રિયા પારદર્શક, સરળ તથા સમયસર પૂર્ણ થાય, જેથી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન અને ન્યાય મળી રહે અને તેમને અનિશ્ચિતતાનો સામનો ન કરવો પડે. જ્યારે આ પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે એ પણ પ્રશ્ન ઉદભવે છે કે કચ્છમાં વારંવાર પ્રાથમિક શિક્ષકો નિમણૂક મેળવી અને પોતપોતાના જિલ્લામાં ચાલ્યા જાય છે અને વારંવાર કચ્છમાં ખાલી જગ્યાઓ ફરી ફરીને ઉભી થતી રહે છે અને કચ્છના પ્રાથમિક શિક્ષણ લકવાગ્રસ્ત હાલતમાં જીવી રહ્યું છે ત્યારે જિલ્લા બહાર બદલીની આવતી અરજીઓનું પ્રમાણનો અભ્યાસ કરી અને ગુજરાતના શિક્ષણ તંત્રએ કચ્છ માટે ખાસ કિસ્સામાં સૌથી નજીકના રહેવાસી શૈક્ષણિક યોગ્યતા પાત્ર ઉમેદવારોને નિમણૂક માટે વિશેષ કે પ્રાથમિકતા આપવી જોઈએ. ખાસ તો જે જગ્યા લાંબા સમયથી ખાલી પડી રહેતી હોય તેવી જગ્યાએ અંતરિયાળ સ્થળોએ નજીકના બેરોજગાર યુવાન ભાઈ બહેનોમાંથી જ ભરતી કરવા માટે ખાસ ગુજરાત સરકારી આદેશ પાડવો જોઈએ. આવી જગ્યા જ્યાં ખાલી પડી રહેતી હોય તે જ તાલુકાના અને તે ન મળે તો કચ્છના ઉમેદવારો માટે અનામત રાખવી જોઈએ જો વારંવાર પ્રયત્નો પછી કચ્છમાંથી ઉમેદવાર ન મળે તો જ બહારથી ઉમેદવારની ભરતી કરવી જોઈએ.જેથી લાંબા સમય સુધી વારંવાર ખાલી જગ્યાઓની વેદના કચ્છના પ્રાથમિક શિક્ષણ તંત્રને ભોગવવી ન પડે.
---

Comments