Trending News
સ્થાનિક સમાચાર

આંતરરાષ્ટ્રીય વેપારની દુનિયામાં કારકિર્દીની નવી તકો

24 October


કચ્છ યુનિવર્સિટીના કોમર્સ વિભાગ દ્વારા છ માસના ‘ઈન્ટરનેશનલ બિઝનેસ એન્ડ ટ્રેડ’ સર્ટિફિકેટ કોર્સનો શુભારંભ


ભુજ - કચ્છઉદય : આંતરરાષ્ટ્રીય વેપાર અને આયાત-નિકાસના ક્ષેત્રમાં કારકિર્દીની નવી તકો ઊભી કરવાના હેતુથી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કોમર્સ વિભાગ દ્વારા છ માસના ‘ઈન્ટરનેશનલ બિઝનેસ એન્ડ ટ્રેડ’ સર્ટિફિકેટ કોર્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ, કુલસચિવ ડૉ. અનિલ ગોર તથા કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રો. ડૉ. પી. એસ. હિરાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કોર્સના સંયોજક તરીકે ડૉ. મનીષા બારડ અને ડૉ. રૂપલ દેસાઈ જવાબદારી નિભાવશે.
કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય વેપાર અને આયાત-નિકાસની દ્રષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. અહીં આવેલાં મુન્દ્રા અને કંડલા (દીનદયાળ) બંદરો ગુજરાતને વૈશ્વિક વેપાર સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મુન્દ્રા બંદરે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૨૦૦.૭ મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું. આ સિદ્ધિ સાથે તે એક જ નાણાકીય વર્ષમાં ૨૦૦ મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું હતું.
કચ્છમાં બંદરો, ઉદ્યોગો અને વેપાર સંબંધિત પ્રવૃત્તિઓના વિકાસને ધ્યાનમાં લેતાં શિપિંગ, આયાત-નિકાસ, આંતરરાષ્ટ્રીય વેપાર, ટ્રેડ ફાઇનાન્સ, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને કાર્ગો હેન્ડલિંગ જેવા ક્ષેત્રોમાં કુશળ માનવબળની માંગ વધવાની અને રોજગાર તથા વ્યવસાયની નવી તકો ઊભી થવાની સંભાવના છે.
આ સર્ટિફિકેટ કોર્સ રોજગારલક્ષી અને વ્યવહારૂ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને છ માસનો ‘ઈન્ટરનેશનલ બિઝનેસ એન્ડ ટ્રેડ’ શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય વેપારની વિવિધ પ્રક્રિયાઓનું સૈદ્ધાંતિક તેમજ વ્યવહારુ જ્ઞાન પ્રદાન કરવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને નિકાસ-આયાતના વ્યવસાય, વેપાર સંબંધિત દસ્તાવેજીકરણ, આંતરરાષ્ટ્રીય વેપારની નાણાકીય પ્રક્રિયાઓ અને લોજિસ્ટિક્સ સહિતનાં મહત્ત્વપૂર્ણ પાસાંઓથી પરિચિત કરાવવામાં આવશે.
કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો પ્રવેશ માટે પાત્ર છે. ‘ઈન્ટરનેશનલ બિઝનેસ એન્ડ ટ્રેડ’ સર્ટિફિકેટ કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારો તા. ૨૭ ઑક્ટોબર થી ૩૦ નવેમ્બર દરમિયાન કોમર્સ વિભાગની વહીવટી કચેરી, ચાણક્ય ભવન, સી બ્લોક, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટી, ભુજ ખાતે પ્રવેશ ફોર્મ ભરી શકશે. કોર્સ સંબંધિત વધુ વિગતો કચ્છ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
--------

Comments

COMMENT / REPLY FROM