મુન્દ્રામાં પુત્રએ પિતા પર કર્યો લોખંડના પાઇપથી હિંસક હુમલો
અગાઉ ઠપકો આપ્યાનું મનદુઃખ રાખી કળિયુગી પુત્રે પિતાના બંને પગ ભાંગી નાખ્યા : જાનથી મારી નાખવાની ધમકી આપી
મુન્દ્રા - કચ્છઉદય : મુન્દ્રા શહેરના ભૂખી નદીના પશ્ચિમ ભાગે નદીનાકા પાસે આવેલા વાડી વિસ્તારમાં એક પુત્રે પોતાના જ પિતા પર લોખંડના પાઇપ વડે જાનલેવા હુમલો કરી બંને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મુન્દ્રાના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા ૬૬ વર્ષીય જેઠાભાઇ વીરાભાઇ પાતારીયાએ પોતાના પુત્ર કાનજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત એવી છે કે તારીખ ૮/૧૦ના રોજ બપોરના ૧ વાગ્યાના અરસામાં ફરિયાદી જેઠાભાઇ તેમના ઘરે હતા ત્યારે તેમના પુત્ર કાનજીએ પિતા સામે અગાઉ આપેલા ઠપકાનું મનદુઃખ રાખી ઝઘડો કર્યો હતો અને ગુસ્સામાં આવીને આરોપી પુત્ર કાનજીએ લોખંડના પાઇપ વડે તેના પિતા જેઠાભાઇના બંને પગ પર ફટકા મારી ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત છાતી અને જમણા હાથમાં લાતો વડે મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મુન્દ્રા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુન્દ્રા પોલીસે આ મામલે આરોપી કાનજી પાતારીયા સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એમ. ડામોર ચલાવી રહ્યા છે.

Comments