Trending News
સ્થાનિક સમાચાર

ખાવડા રોડ પર નિર્દોષ પરપ્રાંતીય શ્રમિકોના મોત પાછળ જવાબદાર કોણ?  ઃ યમરાજાનો ખપ્પરયોગ કે તંત્રની નિંભરતા?વહીવટી તંત્ર મૌન, કંપનીઓ ગુમ

11 October

કચ્છમાં ઔદ્યોગિક ક્રાંતિના મોટા દાવાઓ વચ્ચે લોહિયાળ બનતા ધોરીમાર્ગો



 માર્ગ સલામતી સપ્તાહના નાટકો વચ્ચે મોતના સોદાગરો બેફામઃ શું ગરીબ શ્રમિકોના જીવની કોઈ કિંમત નથી? :કાગળ પરની સલામતી અને વહીવટી તંત્રની નિંભરતા સામે ઉઠતા કડવા સવાલા :એક જ વાહનમાં ૩૦થી વધુ મજૂરોને ઠાંસીને ભરતા કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને આરટીઓ-પોલીસની નિષ્ક્રિયતા પર જનરોશ

 અબજોના પ્રોજેક્ટ્‌સ ચલાવતી કંપનીઓ માટે મજૂરો માત્ર ‘આંકડો’ઃ વીમા અને વળતર અંગે સત્તાધીશોનું ચૂપકીદીનું સેવન : વિકાસના નામે ક્યાં સુધી લેવાશે નિર્દોષોના બલિદાન? : ચેકપોસ્ટો પરથી અમાનવીય રીતે ભરેલા વાહનો કેવી રીતે પસાર થયા? વહીવટમાં ચાલતી ઘોર 
પોલમપોલ છતી થઈ


ભુજ - કચ્છઉદય : ખાવડા નજીક સર્જાયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં સાત નિર્દોષ પરપ્રાંતીય શ્રમિકોના કરુણ મોતની ઘટનાએ સમગ્ર કચ્છ અને દેશભરના સંવેદનશીલ નાગરિકોના દિલ કંપાવી દીધા છે. હજારો કિલોમીટર દૂર બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી પેટનો ખાડો 
પૂરવા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કચ્છના નિર્જન રણમાં મજુરી કરવા આવેલા આ આશાસ્પદ યુવાનો માટે આ ભૂમિ કાળમુખી સાબિત થઈ છે. વિકાસની મોટી મોટી વાતો અને ઔદ્યોગિક ક્રાંતિના ભવ્ય દાવાઓ વચ્ચે રક્તરંજિત બનતા ધોરીમાર્ગો આજે વહીવટી તંત્ર, પોલીસ અને આરટીઓ વિભાગની કામગીરી સામે અનેક ગંભીર પ્રશ્નાર્થો ઉભા કરી રહ્યા છે. માર્ગ સલામતી સપ્તાહના નામે થતી ઉજવણીઓ અને કાગળ પર અપાતી સુફિયાણી સલાહો વચ્ચે વાસ્તવિકતા એ છે કે નિર્દોષ માનવજિંદગીઓની કોઈ કિંમત રહી નથી.
આ કરુણાંતિકા પાછળ લેબર અને ટ્રાન્સપોર્ટેશન કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી તથા લાલચ સ્પષ્ટપણે છતી થાય છે. એક જ નાના વાહનમાં ક્ષમતા કરતાં બમણા એટલે કે ત્રીસથી વધુ મજૂરોને પશુઓની જેમ ઠાંસી ઠાંસીને ભરવાનો નિર્ણય કોનો હતો અને આટલી મોટી સંખ્યામાં અમાનવીય રીતે લઈ જવાતા વાહનો ચેકપોસ્ટ પરથી કેવી રીતે પસાર થઈ ગયા તે સૌથી મોટો પ્રશ્ન છે. જે ખાનગી કંપનીઓ અને રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્‌સના નામે મોટા દાવા કરવામાં આવે છે તે કંપનીઓ માટે આ શ્રમિકો માત્ર એક આંકડો બનીને રહી ગયા છે. આ ગરીબ મજૂરોનો કોઈ વીમો ઉતારવામાં આવ્યો હતો કે કેમ, અકસ્માત બાદ તેમના સારવાર કે મૃતદેહને વતન પહોંચાડવાનો ખર્ચ કોણ ભોગવશે અને આર્થિક રીતે તૂટી પડેલા તેમના પરિવારોનું શું થશે તેનો જવાબ આપવા માટે કોઈ જવાબદાર અધિકારી કે કંપનીના પ્રતિનિધિઓ સામે આવી રહ્યા નથી.બીજી તરફ સરહદી અને અતિસંવેદનશીલ એવા ખાવડા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ તળિયે બેસી ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ઉદ્યોગોના નામે ધમધમતા આ વિસ્તારમાં કડક દારૂબંધી હોવા છતાં દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. પૂરતી ઊંઘ અને આરામના અભાવે સતત ડ્રાઈવિંગ કરતા ભારે વાહનોના ચાલકો રાત્રિના સમયે કેફી દ્રવ્યો કે દારૂના નશામાં ધૂત થઈને સ્પીડ મર્યાદાના તમામ નિયમો નેવે મૂકી વાહનો દોડાવતા હોય છે. ઓવરલોડ ડમ્પરો અને બેફામ ગતિએ દોડતા વાહનો સામે ટ્રાફિક પોલીસ કે આરટીઓ વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવતી નથી, જેના કારણે જ આ માર્ગો પર મોતના સોદાગરો 
બેફામ બન્યા છે.પોલીસ અને વહીવટી તંત્ર માત્ર કાગળ પર નિયમો બનાવીને અથવા અકસ્માત સર્જાયા બાદ માત્ર ઔપચારિક તપાસના નાટકો કરીને સંતોષ માની લે છે. જો સમયસર આ નશાના કારોબાર, ઓવરલોડિંગ અને નિયમોના ઉલ્લંઘન સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો કચ્છના ધોરીમાર્ગો પરથી પસાર થવું એ સીધું મોતને આમંત્રણ આપવા સમાન બની રહેશે. પોતાના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા આવેલા શ્રમિકો જ્યારે શબવાહિનીમાં હોમાઈને પોતાના વતન પાછા ફરે ત્યારે આ કહેવાતા વિકાસના મોડેલ સામે માનવતા ચોધાર આંસુએ રડી પડે છે. તંત્ર હવે તો જાગે અને માત્ર સુફિયાણી વાતો છોડીને વાસ્તવિક ધારાધોરણો કડકપણે અમલી બનાવે તે જ આ મૃતકો પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.

..........


શું શ્રમિકો-ગરીબોના જીવની કોઈ કિંમત નથી?

ભુજ - કચ્છઉદય : માર્ગ સલામતી સપ્તાહના નામે લાખો રૂપિયાના બેનરો અને પદયાત્રીઓ માટેના કેમ્પ યોજીને પોતાની પીઠ થાબડતું વહીવટી તંત્ર વાસ્તવિકતામાં કેટલું નિંભર બની ચૂક્યું છે તેનો ઉઘાડો પુરાવો આ હૃદયદ્રાવક ઘટનાએ આપ્યો છે. આરટીઓ અને પોલીસ વિભાગ બે દિવસથી વાહન ચલાવતી વખતે સંભાળજો તેવા સંકેતો આપવાના નાટકો કરે છે, પણ ધોરીમાર્ગો પર મોતના સોદાગરો ખુલ્લેઆમ દોડી રહ્યા છે છતાં કોઈ અટકાવનાર નથી. એક જ પીકઅપ જીપમાં પશુઓની જેમ પેક કરીને ત્રીસ-ચાલીસ મજૂરોને લઈ જવામાં આવે ત્યારે કાયદાનું પાલન કરાવતી એજન્સીઓ ક્યાં ઊંઘતી હોય છે તે સૌથી મોટો પ્રશ્ન છે. આ નિર્દોષ શ્રમિકો પરપ્રાંતીય છે માટે તેમની સંવેદના કે જીવની કોઈ કિંમત જ નથી તેવું વલણ દાખવવામાં આવી રહ્યું છે. જમીની હકીકત એ છે કે કાગળ પર બધું જ સમુસૂતરું બતાવવામાં આવે છે, પરંતુ અંદરખાને વહીવટમાં ઘોર પોલમપોલ ચાલી રહી છે.
બીજી તરફ, મજૂરોને વતનની ધરતી છોડાવીને અહીં લાવનારા કોન્ટ્રાક્ટરો જાણે યમરાજાના સગા ભાગીદાર હોય તેમ અમાનવીય રીતે કામ લઈ રહ્યા છે. અબજો રૂપિયાના પ્રોજેક્ટ્‌સ ચલાવતી મોટી મોટી કંપનીઓ અને તેમના વગદાર માલિકો માટે આ મજૂરો માત્ર વાપરીને ફેંકી દેવાના સાધન સમાન બની ગયા છે. આ મૃતક શ્રમિકોનો કોઈ અકસ્માત વીમો હતો કે નહીં, તેમના સારવાર અને મૃતદેહોને હજારો કિલોમીટર દૂર બિહાર-યુપી પહોંચાડવાનું ડીઝલ ભાડું કોણ આપશે તે અંગે સત્તાધીશો મૌન સેવીને બેઠા છે. વાહનોની સ્પીડ, ક્ષમતા અને મુસાફરોની સંખ્યા અંગેના પરિપત્રો માત્ર ફાઈલોમાં ધૂળ ખાતા પડ્યા રહ્યા છે. જો તંત્ર આવી જ રીતે આંખ આડા કાન કરતું રહેશે તો કચ્છના આ વિકાસના નામે હજુ કેટલા નિર્દોષોના બલિદાન લેવાશે તે કડવો સવાલ આજે દરેક નાગરિક પૂછી રહ્યો છે.

........

 

Comments

COMMENT / REPLY FROM