વિશ્વ માનસિક આરોગ્ય દિવસની માનવજ્યોત દ્વારા ઉજવણી
માનસિક દિવ્યાંગોને પ્રેમ, હૂંફ અને સન્માન આપવાનો માનવતાભર્યો સંદેશ
ભુજ - કચ્છઉદય : વિશ્વભરમાં દર વર્ષે ૧૦મી ઓક્ટોબરના રોજ ઉજવાતા વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે માનવજ્યોત સંસ્થા, ભુજ દ્વારા માનસિક આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવા તથા માનસિક દિવ્યાંગો પ્રત્યે સમાજમાં પ્રેમ, લાગણી, સહાનુભૂતિ અને સંવેદનશીલતા કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત રામદેવ સેવાશ્રમ, પાલારા ખાતે નિરાધાર, રખડતા-ભટકતા તથા પરિવારથી વિખૂટા પડેલા માનસિક દિવ્યાંગોને આશ્રય આપી તેમની સારસંભાળ રાખવામાં આવે છે. આવા માનસિક દિવ્યાંગોને ભોજન, વસ્ત્રો, રહેઠાણ, સારવાર અને અન્ય જીવનજરૂરી સુવિધાઓ સાથે પરિવાર જેવી હૂંફ અને લાગણી પૂરી પાડવામાં આવે છે. માનસિક આરોગ્ય એ માનવીના સર્વાંગી સ્વાસ્થ્યનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. શારીરિક સ્વાસ્થ્યની જેમ માનસિક સ્વાસ્થ્યની જાળવણી પણ એટલી જ જરૂરી છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં ચિંતા, તણાવ, હતાશા, એકલતા અને માનસિક અસ્વસ્થતા જેવી સમસ્યાઓ વધી રહી છે. આવી પરિસ્થિતિમાં માનસિક આરોગ્ય અંગે જાગૃતિ, સમયસર સારવાર, પરિવારનો સહયોગ અને સમાજનો હકારાત્મક અભિગમ અત્યંત જરૂરી બની રહે છે.માનસિક બીમારી ધરાવતી વ્યક્તિઓને તિરસ્કાર, ઉપેક્ષા કે ધિક્કારની નહીં, પરંતુ પ્રેમ, સહાનુભૂતિ, યોગ્ય સારવાર અને માનવીય સંવેદનાની જરૂર છે. ઘણી વખત માનસિક અસ્વસ્થતાના કારણે વ્યક્તિ પોતાનું ઘર, પરિવાર અને ઓળખ પણ ભૂલી જતી હોય છે. આવી વ્યક્તિઓ રસ્તાઓ ઉપર રઝળતી હોય છે ત્યારે તેમને સહારો આપવો એ સમાજની નૈતિક અને માનવીય ફરજ છે. માનવજ્યોત સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં૩૫૩૮ જેટલા રખડતા-ભટકતા અને માનસિક દિવ્યાંગ વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે પુનર્મિલન કરાવવામાં આવ્યું છે.આ સેવાકાર્ય માત્ર પરિવારજનોને શોધી આપવાનું નથી, પરંતુ વિખૂટા પડેલા પરિવારોમાં ફરીથી લાગણી, આનંદ અને આશાનું અજવાળું પાથરવાનું માનવતાભર્યું કાર્ય છે.
માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ એચ. મુનવરે જણાવ્યું હતું કે માનસિક દિવ્યાંગ વ્યક્તિ પણ આપણા સમાજનો જ એક અભિન્ન હિસ્સો છે. તેને પણ સન્માનપૂર્વક જીવવાનો, પ્રેમ મેળવવાનો અને સુરક્ષિત જીવન જીવવાનો સમાન અધિકાર છે. માનસિક દિવ્યાંગોને માત્ર દયાની નજરે જોવાને બદલે તેમને માનવીય ગૌરવ સાથે સ્વીકારવાની જરૂર છે. વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે માનવજ્યોત સંસ્થા દ્વારા સમાજના તમામ વર્ગોને અપીલ કરવામાં આવી છે કે માનસિક આરોગ્ય અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી માનસિક બીમારી ધરાવતા લોકો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવીએ. રસ્તા ઉપર રઝળતા માનસિક દિવ્યાંગોને તિરસ્કારવાને બદલે તેમની મદદ માટે આગળ આવીએ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને યોગ્ય સારવાર તથા આશ્રય મળી રહે તે માટે સહયોગ આપીએ. માનસિક દિવ્યાંગોને પ્રેમ આપીએ, હૂંફ આપીએ, સન્માન આપીએ અને માનવતાની જ્યોત પ્રગટાવીએ એ જ વિશ્વ માનસિક આરોગ્ય દિવસની સાચી અને સાર્થક ઉજવણી છે. માનવજ્યોતના પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, આનંદ રાયસોની, દિપેશ શાહ, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, રફીક બાવા તથા સર્વે કાર્યકરો વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
----------

Comments