ગૌ સમ્માન આહ્વાન અભિયાનમાં સરપંચો સહિતના ગ્રામીણ લોકોને જોડાવા આહ્વાન કરાયું
ભુજ-કચ્છઉદય : સ્વદેશી ગૌ માતાની સેવા, સુરક્ષા અને સન્માન માટે સમગ્ર દેશભરમાં ચાલી રહેલા ગૌ સમ્માન આહવાન અભિયાન અન્વયે ગાય માતાને રાષ્ટ્રીય સમ્માન મળે દરરોજ લાખોની સંખ્યામાં થતી કતલ બંધ થાય અને તેની સંપૂર્ણ સુરક્ષા માટે કેન્દ્ર સરકાર સ્વતંત્ર વિભાગ બનાવે તેવી ગૌ માતા અને ગૌવંશ માટે ૩૬ પ્રકારની માંગણીઓ સાથે સાધુ સંતો, મહંતો અને ગાય માતાના આશીર્વાદથી ચાલી રહેલા જન જાગૃતિ અભિયાનમાં છેવાડાના ગ્રામીણ લોકો પણ જોડાઈ ગાય માતાને સુરક્ષિત બનાવવા પોતાની લાગણી દર્શાવી શકે તેવા ભાવ સાથે અભિયાનના ત્રીજા તબક્કામાં સહિ ઝુંબેશમાં દરેક ગામોમાંથી ૨૧૦૦ લોકોની સહીઓ એકત્રિત કરવા એક ગામમાંથી ૩ ગૌ પ્રેમી લોકો સ્વેચ્છાથી આ કાર્યમાં પોતાના સમયનું યોગદાન આપી જોડાઈ શકે છે, એજ રીતે દરેક તાલુકા સ્તરે પણ ગૌપ્રેમી લોકો પ્રભારી તરીકે કાર્યરત છે તેઓના માર્ગદર્શન સાથે વિસ્તૃત કાર્ય કરી સહભાગી બની શકે છે.
ગૌ સમ્માન આહ્વાન અભિયાન સમિતિ દ્વારા કચ્છના દરેક ગામના સરપંચો અને પદાધિકારીઓને પણ ગૌ માતાના આ કાર્યમાં સહભાગી થવા આહ્વાન કરવામાં આવ્યું છે, દરેક ગામના સરપંચો હસ્તાક્ષર અભિયાનમાં ગામના ગૌપ્રેમી લોકોના નામ સુચવવા ઉપરાંત પંચાયતના સૌ સભ્યો સાથે મળી ગૌ માતાના કાર્યમાં સમર્થન આપતા પત્રો લખી કાર્યમાં સહભાગી થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
કચ્છ પ્રદેશ એ ગાય અને ગૌ વંશની સેવા સુશ્રુષા અને સંભાળ રાખતો જીવદયાપ્રેમી સૌથી મોટો વિસ્તાર છે એટલે જ માનવ વસ્તીના પ્રમાણમાં અહિ પશુઓની સંખ્યા વધુ છે ત્યારે આપણા સૌની રાષ્ટ્રીય ધરોહર એવી ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તે માટે આપણું નહી પણ મારૂ કામ છે તેવા ભાવ સાથે આ રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગી થવા સૌને અનુરોધ કરાયો છે. આ બાબતે વધુ માહિતી અને કાર્યમાં જોડાવા માટે દીપકભાઈ પટેલનો સંપર્ક કરવા એક યાદીમાં અનુરોધ કરાયો છે.
--------------

Comments