Trending News
સ્થાનિક સમાચાર

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ફૂટ કેર રિહેબિલિટેશન કેમ્પ યોજાશે

06 October


બિદડા - કચ્છઉદય : રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સંચાલિત જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર છેલ્લા ૨૬ વર્ષથી દિવ્યાંગોના પુનર્વસન માટે સતત કાર્યરત છે. આ સાથે તે સમયાંતરે દિવ્યાંગોના પુનર્વસન માટે વર્કશોપનું આયોજન કરે છે, જેમાં દેશ તેમજ વિદેશના નિષ્ણાતો મુલાકાતી પ્રતિનિધિઓને માર્ગદર્શન પૂરું પાડે છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ જરૂરિયાતમંદ લોકો, દિવ્યાંગજનો તથા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો માટે આરોગ્ય સેવા, પુનર્વસન, જાગૃતિ અને જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા સતત કાર્યરત છે. ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ લોકોને સમયસર યોગ્ય આરોગ્ય અને પુનર્વસન સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓ વધુ સ્વાવલંબી બની સન્માનપૂર્ણ જીવન જીવી શકે.
 બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા તથા ડિરેક્ટર ડૉ. મુકેશ દોશીના માર્ગદર્શનથી અને જયકાલ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (મુંબઇ)ના સહયોગથી જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિન ડૉ. લોંગનાથન અને પ્રોસ્થેટીક અને ઓર્થોટિકની ટીમ દ્વારા ફૂટ કેર, જરૂરી ફૂટવેર ફેરફાર તથા ફૂટ રિહેબિલિટેશન સંબંધિત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર પુનર્વસન સેવા, કાર્યાત્મક તાલીમ, દિવ્યાંગજનો માટે સહાય તથા વૈજ્ઞાનિક અને વ્યક્તિગત જરૂરિયાત આધારિત રિહેબિલિટેશન ક્ષેત્રે કાર્ય કરે છે. સંસ્થાનો ઉદ્દેશ દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા, ચાલવાની ક્ષમતા અને દૈનિક જીવનની કાર્યક્ષમતામાં સુધારો લાવવાનો છે. તેવામાં બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રીહેબીલીટેશન સેન્ટરમાં તારીખ ૨૩ ઓક્ટોબરના રોજ ફુટ કેરનો કેમ્પ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યો છે. આ કેમ્પ ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી રહેશે, જેમને પગમાં દુખાવો, સપાટ પગ, પગ પર વધુ દબાણ, ચાલવામાં તકલીફ, સંતુલનની સમસ્યા, ડાયાબિટીસ પગ, ચાલવાની રીતમાં અસામાન્યતા અથવા ફૂટવેર પહેરવામાં અસુવિધા અનુભવાય છે તેવા દર્દીની વિના મૂલ્યે તપાસણી કરવામાં આવશે.
આ વિશેષ કેમ્પ દરમિયાન નિષ્ણાતો દ્વારા સેવાઓ અને માર્ગદર્શન આપવામાં આવશે. પગની વિગતવાર તપાસ અને ફૂટ કેર નિદાન તથા ઊભા રહેવા, ચાલવા અને સંતુલન સંબંધિત સમસ્યાઓની તપાસ અને પગમાં દુખાવો, પગની વિકૃતિ અને પગ પર પડતા વધારાના દબાણની ઓળખ કરી યોગ્ય માર્ગદર્શન કરવામાં આવશે સાથે સ્ટ્રેચિંગ, શક્તિ વધારવા, સંતુલન અને ચાલવાની કસરતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સમયસર તપાસ અને યોગ્ય રિહેબિલિટેશન દ્વારા પગની કાર્યક્ષમતા જાળવવામાં અને દૈનિક પ્રવૃત્તિઓમાં સુધારો લાવવામાં મદદ મળી શકે છે.
તા. ૯/૧૦ થી ૧૭/૧૦ સુધી જે-તે દર્દીને આપેલ નંબર પર ખાસ રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. અગાઉ રજિસ્ટ્રેશન કરેલ દર્દીને જ સારવાર આપવામાં આવશે. કેમ્પ પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. રજિસ્ટ્રેશન સમય સવારે ૯થી સાંજે ૫  વાગ્યા સુધીનો રહેશે.  તમામ ઇચ્છુક વ્યક્તિઓ, દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો તથા તેમના પરિવારજનોને અનુરોધ કરાયો છે કે તેઓ પૂર્વ નોંધણી કરાવી આ આરોગ્ય અને પુનર્વસન કેમ્પનો લાભ લે. વધુ માહિતી માટે સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી સંપર્ક કરવા જણાવાયું છે.
-------------

Comments

COMMENT / REPLY FROM