દેશ માટે દિશાદર્શક બન્યું ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોડલ
ઓડિશાના મંત્રી સુરેશ પૂજારીએ ભુજ ’સ્મૃતિવન’ અને ગાંધીનગર એસઈઓસીનો કર્યો ઝીણવટભર્યો અભ્યાસ
ભુજ - કચ્છઉદય : કુદરતી આપત્તિઓનો મક્કમતાથી સામનો કરી, વિનાશમાંથી સર્જન તરફની સફર ખેડવામાં ગુજરાત આજે સમગ્ર દેશ માટે એક ઉત્તમ ‘રોલ મોડલ’ પ્રસ્થાપિત થયું છે. ગુજરાતના આ જ અદ્યતન આપત્તિ વ્યવસ્થાપન મોડલ અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે, ઓડિશા સરકારના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીની આગેવાનીમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ હાલ ગુજરાતની સત્તાવાર મુલાકાતે પધાર્યું છે.
પોતાના પ્રવાસના પ્રારંભે મંત્રીએ ભુજ સ્થિત ‘સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમ’ની વિશેષ મુલાકાત લીધી હતી. અહીં તેમણે ૨૦૦૧ના ગોઝારા કચ્છ ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવનાર નિર્દોષ નાગરિકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આપત્તિને અવસરમાં પલટીને કચ્છે જે રીતે વિકાસ અને પુનર્નિમાણની અદ્દભૂત ગાથા લખી છે, તેની મંત્રીએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
કચ્છની મુલાકાત બાદ પ્રતિનિધિમંડળે ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને જીએસડીએમએની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગુજરાતની આધુનિક અર્લી વોર્નિંગ સિસ્ટમ, સાયક્લોન ટ્રેકિંગ અને આધુનિક ટેકનોલોજી આધારિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોટોકોલ્સ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ ડેલિગેશનમાં ઓડિશાના સ્પેશિયલ રિલીફ કમિશનર અને ઓએસડીએમએના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ પ્રભાકર પાટીલ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. મંત્રીએ ગુજરાતના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સાથે પણ વિશેષ સૌજન્ય મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને દરિયાકાંઠાના રાજ્યો વચ્ચે ભવિષ્યમાં કુદરતી આપત્તિઓનો સામનો કરવા વધુ મજબૂત સમન્વય અને સહયોગ સાધવા અંગે ફળદાયી ચર્ચા થઈ હતી. ઓડિશા રાજ્ય ભૌગોલિક રીતે વારંવાર વિનાશક વાવાઝોડાઓનો સામનો કરે છે, ત્યારે ગુજરાત પાસેથી મેળવેલું આ જ્ઞાન અને ટેકનોલોજીનું આદાન-પ્રદાન ઓડિશાના ભવિષ્યના આપત્તિ વ્યવસ્થાપન માટે અત્યંત ઉપયોગી અને નિર્ણાયક સાબિત થશે.
------------

Comments