Trending News
સ્થાનિક સમાચાર

અબડાસાના રાયધણજરમાં બિનઅધિકૃત બેન્ટોનાઇટનો સંગ્રહ પકડાયો

06 October


એલસીબી અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં રૂ. ૫૧ લાખથી વધુનો દંડ : કોઠારા પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી સામે એલસીબી પશ્ચિમ કચ્છની લાલ આંખ : ટ્રાન્ઝિટ પાસ વગરનો ૯૫૯૫ મેટ્રીક ટનથી વધુ જથ્થો ચોપડે નોંધાયેલા સ્ટોક કરતા વધુ મળ્યો

ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી અને અનધિકૃત સંગ્રહ પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા અપાયેલી સૂચનાના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પશ્ચિમ કચ્છની ટીમ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ અને તપાસ કામગીરી સઘન બનાવવામાં આવી હતી.
કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અબડાસા તાલુકાના રાયધણજર ગામે એલસીબી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિન્દ્રસિંહ ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે ગામમાં આવેલા એક રજિસ્ટર્ડ સ્ટોક પ્લોટમાં માન્ય રોયલ્ટી કરતાં વધુ પ્રમાણમાં બેન્ટોનાઇટ ખનીજનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે એલસીબી પીઆઈ એ. એમ. મકવાણા, પીએસઆઈ જે. બી. જાદવ અને પીએસઆઈ એમ. એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા પ્રવિન્દ્રસિંહ ચૌધરી સહિતની ટીમે ખાણ ખનીજ કચેરીના સ્ટાફને સાથે રાખી સંયુક્ત દરોડો પાડ્યો હતો.
સ્થળ પર હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન હાજર ઈસમ અલી અસગર હાલેપોત્રાની હાજરીમાં રજિસ્ટર્ડ પ્લોટના દસ્તાવેજો તથા ક્લોઝિંગ સ્ટોકની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી અંતર્ગત માન્ય રોયલ્ટી અને સ્ટોક રજિસ્ટર કરતાં ૯૫૯૫.૧૦ મેટ્રીક ટન જેટલો વધુ બેન્ટોનાઇટ ખનીજનો જથ્થો ટ્રાન્ઝિટ પાસ વગર બિનઅધિકૃત રીતે સંગ્રહિત કરાયેલો મળી આવ્યો હતો. આ ગેરકાયદેસર જથ્થા અંગે ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સંબંધિત ઈસમ સામે રૂ. ૫૧,૦૮,૪૩૨/- નો દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસની આ સફળ કાર્યવાહીથી ગેરકાયદે ખનીજ ચોરી અને સ્ટોક કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
---------- 

Comments

COMMENT / REPLY FROM