અંજાર નજીક લોખંડના પાઈપો બહાર કાઢી જોખમી રીતે વાહનો હંકારતા ૩ ચાલકો ઝબ્બે
અંજારના કસ્ટમ ચોક અને ગુડી સર્કલ પાસે ટ્રાફિકને અડચણરૂપ છકડા ઉભા રાખનાર બે સામે કાર્યવાહી
અંજારઃ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે ટ્રાફિક શાખા અને સ્થાનિક પોલીસે સઘન ચેકિંગ દરમિયાન જાહેર માર્ગો પર અન્ય લોકોના જીવ જોખમાય તે રીતે બેદરકારીપૂર્વક વાહન હંકારી રહેલા ત્રણ વાહનચાલકો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. વેલસ્સ્પન કેનાલ પાસે ટ્રાફિક શાખાના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ ગામીની ફરિયાદના આધારે બોલેરો ગાડી (GJ12-CV-0118) ના ચાલક રજાક સિદીકભાઈ સમા (રહે. ધોરાવર, ભુજ) ને વાહનની ઉપરના ભાગે ૩ થી ૪ ફૂટ જેટલા લોખંડના પાઈપ બહાર કાઢીને પૂરઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવતા પકડી પાડવામાં આવ્યો હતો. વર્ષામેડી ટોલ નાકા પાસે આ જ રીતે આયશર ટ્રક (GJ 12-BZ-1769) ના ચાલક વિશાલ રશિકભાઈ ડુદીયા (રહે. ભુજ) સામે પણ બોલેરોની જેમ જ લોખંડના પાઈપો બહાર કાઢી જોખમી ડ્રાઇવિંગ કરવા બદલ ગુનો નોંધાયો છે.અંજાર પોલીસના નાથુસિંહ કોજરાજજીએ છકડો રિક્ષા (GJ-12-AV-6616) ના ચાલક સુરેશભાઈ રામશીભાઈ માળી (રહે. આદિપુર) ને છકડામાં બહારની તરફ ૩ થી ૪ ફૂટ લોખંડના પાઈપ ભરીને જોખમી રીતે વાહન ચલાવતા પકડી પાડ્યો હતો. અંજાર પોલીસે ત્રણેય ચાલકો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૮૧ તથા મોટર વાહન કાયદાની કલમ-૧૮૪, ૧૭૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ અંજાર શહેરના વ્યસ્ત માર્ગો પર ટ્રાફિકને અવરોધાય તે રીતે વાહનો પાર્ક કરનારા સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. કસ્ટમ ચોક અને ગુડી સર્કલ નજીક જાહેર રોડ પર અડચણરૂપ રીતે છકડા ઉભા રાખવા બદલ બે ચાલકો સામે બી.એન.એસ. કલમ-૨૮૫ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ કોન્સ્ટેબલ નાથુસિંહ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં કસ્ટમ ચોક પાસે ટ્રાફિકને નડતરરૂપ છકડો (નં.GJ-09-AV-4898) ઊભો રાખવા બદલ પરબતભાઇ લખુભાઇ ડાંગર (રહે. વલાડીયા, અંજાર) તથા ગુડી સર્કલ પાસે છકડો (નં. GJ-09-AU-1719) ઊભો રાખવા બદલ હારુન કાસમ કુંભાર (રહે. શેખ ટીંબો, અંજાર) ની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Comments