Trending News
સ્થાનિક સમાચાર

કલા એ પરમાત્માને પામવાનું ઉમદા માધ્યમ

06 October


એસજીવીપી અમદાવાદ ખાતે કલાતીર્થ સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયત કરાયા

અમદાવાદ - કચ્છઉદય : કલાને કોઈ સીમાડા નથી હોતા. કલા અને ભાષા ભારતવર્ષને અખંડ રાખવામાં મહત્વનું યોગદાન આપે છે. આપણા દરેક ધર્મ કલાના પોષક છે એટલે કલા એ પરમાત્માને પામવાનું માધ્યમ છે.  
અમદાવાદ ખાતે સુરતની કલા સંસ્થા કલાતીર્થ દ્વારા પ્રતિવર્ષ અપાતા સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ-૨૦૨૬ના અર્પણવિધિના કાર્યક્રમમાં આશીર્વચન આપતાં સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાપ્રતિષ્ઠાનના સ્વામી માધવપ્રિયદાસજીએ આ મુજબ સૂર વ્યક્ત કર્યો હતો.  સમારંભના અધ્યક્ષ કુમારપાળ દેસાઈએ કલાતીર્થની પ્રવૃત્તિઓને આવકાર આપતાં કલાતીર્થના અધ્યક્ષ રમણીકભાઈને કલાના ભેખધારી ગણાવ્યા હતા. અતિથિવિશેષ અને પૂર્વ સનદી અધિકારી વસંતભાઈ ગઢવીએ કલાતીર્થની પ્રવૃત્તિનો સહયોગ એસજીવીપીને સાચી દિશાના કાર્યને વેગવાન બનાવતો હોવાનું જણાવી રમણીકભાઈએ કલા સાધનાની ધૂણી ધખાવી હોવાનું કહ્યું હતું.  ‘કલાતીર્થ ટ્રસ્ટ’ દ્વારા પ્રતિ વર્ષ અપાતા સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ-૨૦૨૬ માટે ચાલુ વર્ષે આ એવોર્ડ મેળવનારાઓમાં ગુજરાતના વરિષ્ઠ પુરાતત્વવિદ્‌ અને સંશોધક ડૉ. પ્રવીણચંદ્ર પરીખ, મંદિર સ્થાપતના જ્ઞાતા પુરાતત્વવિદ પ્રા. ડૉ. થોમસભાઈ પરમાર, ભારતીય સંસ્કૃતિના તજજ્ઞ પ્રા. ડૉ. આર. ટી. સાવલિયા, હસ્તકલાવિદ રાગિણીબેન વ્યાસ તથા ધાતુશિલ્પ કલાકાર જયંતીભાઈ સુધારનું પ્રમાણપત્ર, સ્મૃતિ ભેટ તથા રોકડ માનધન રૂા. ૨૧૦૦૦ પન્નાબેન રસિકલાલ હેમાણીના સહયોગથી અર્પણ કરવામાં આવ્યા.  
આ સમારોહના ઉદ્દઘાટનમાં પૂર્વમાહિતી નિયામક અને જાણીતા સર્જક વી.એસ. ગઢવી, ગુજરાત વિશ્વકોશના અધ્યક્ષ અને પદ્મશ્રી પુરસ્કૃત જાણીતા સાહિત્યકાર કુમારપાળ દેસાઈ, સમાજસેવિકા અને પુરસ્કારદાતા પન્નાબેન હેમાણી, ભગિની દક્ષાબેન લાલસોદાગર, દેવેન્દ્રભાઈ શાહ, શાંતિભાઈ સાવલા, સંસ્કાર ભારતી ગુજરાત પ્રાતના અધ્યક્ષ અબેસિંહ રાઠોડ, કલાવિવેચક કનુબાઈ પટેલ, સુરતના જે. બી. પટેલ, પૂર્વ મંત્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. બે ગ્રંથનું વિમોચન કરાયું હતું.  
કલાતીર્થ ટ્રસ્ટના સંશોધન પ્રકલ્પના સંયોજક નિસર્ગ આહીરે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા વર્ષ-૨૦૨૬ના કલાતીર્થ સંશોધન પ્રકલ્પ અનુસાર ગુજરાતમાં સંશોધન ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પીએચડી કક્ષાના અધ્યાપકો અને સંશોધકો એમ બે વિભાગમાં વિવિધ વિષયો પર શોધપત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, જેના વિજેતાઓ અધ્યાપક અને શોધક વિભાગમાં પ્રથમ અજિત વાઘેલા, દ્વિતીય ડૉ. અરુણા વાઘેલા, તૃતીય ડૉ. દક્ષા ડાંગર તથા અન્ય પાંચ આશ્વાસન ઇનામને પાત્ર શોધપત્રોમાં ડૉ. સાધના ટાંક, ડૉ. ભાવિની પંડ્યા, રવીન્દ્ર લાંબા, ભીમજી બાચરિયા તથા ડૉ. જલક પટેલ વિજેતા થયા હતા. વિદ્યાર્થી શોધક વિભાગમાં પ્રથમ વિધિ પટેલ, દ્વિતીય રક્ષિતા જોશી, તૃતીય તેજલ ગઢવી તથા અન્ય પાંચ આશ્વાસન ઇનામને પાત્ર શોધપત્રોમાં અતુલકુમાર ડોડિયા, દિવ્યરાજસિંહ યાદવ, જાગૃતિ ઠાકોર, મોબિન બસીર શેખ તથા સ્નેહલ ત્રિવેદી વિજેતા થયા છે. વિજેતાઓને સન્માનિત કરાયા હતા. કલાતીર્થના અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડિયાએ સમગ્ર આયામની વિગત આપી હતી.  
૫. પૂ. યજ્ઞવલ્લભ સ્વામીએ સંપૂર્ણ વ્યવસ્થામાં સહયોગ આપીને સમારંભને સફળતા બક્ષી હતી. સમગ્ર સમારોહનું સંકલન કિશોર જોશી, જિગર પંડ્યા, વિનય પંડ્યા, કમલેશ ગજ્જર, અનિલ શ્રીમાળી, વિમલા ઠક્કર, બિજલ હરિયા તથા પ્રિયંકા જોશીએ કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અશ્વિન આણાદાણીએ કર્યું હતું. આ સમારોહમાં ઉપસ્થિત તમામનો કલાતીર્થના અધ્યક્ષ રમણીક ઝાપડિયા, સંશોધન પ્રકલ્પના સંયોજક નિસર્ગ આહીર તથા સહ સંયોજક નરેશ અંતાણીએ આભાર માન્યો હતો. 
-----------

Comments

COMMENT / REPLY FROM