રાપરના ફતેહગઢમાં ભડાકાવાળી : દિનદહાડે ફાયરિંગથી અફરાતફરી
ફતેહગઢ વિસ્તારમાં સામસામે ફાયરિંગ થતાં દોડધામ : એકને ઈજા થતાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી, સ્થિતિ કાબૂમાં લીધી
ગાંધીધામ - કચ્છ ઉદય : વાગડ પંથકના રાપર તાલુકાના ફતેહગઢ ગામે આજે દિનદહાડે ધાણીફૂટ સામસામે થયેલા ફાયરિંગની ઘટનાથી ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. ભરચક વિસ્તારમાં અચાનક બંદૂકની ગોળીઓ છૂટતાં જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિને ગોળી વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓની ટુકડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકેબંધી કરી
પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે અને શાંતિ જાળવવા કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.
દિનદહાડે થયેલા આ ફાયરિંગના બનાવથી રાપર સહિત સમગ્ર વાગડ પંથકમાં એકચોટ હલચલ મચી જવા પામી છે. આ ફાયરિંગ કયા જૂના મનદુઃખ કે વેરઝેરના કારણોસર થયું છે તેમજ બંને પક્ષે કેટલા લોકો આ સામસામે ફાયરિંગમાં સંકળાયેલા હતા, તે અંગેની સત્તાવાર માહિતી હજુ અકબંધ છે. પોલીસ દ્વારા ઈજાગ્રસ્તનું નિવેદન નોંધવા સાથે આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરીને આગળની કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Comments