Trending News
સ્થાનિક સમાચાર

લખપતમાં ખનીજ ચોરો બેફામ : ‘સેક્શન’ મોડમાં ચાલતા કાળા કારોબાર સામે કડક તપાસની લોકમાંગ

16 September

નખત્રાણા પ્રાંત પર હુમલાની ઘટનાના આરોપીઓ પકડાયા અને જામીન પર છૂટી ગયા...




મુરચબાણ સહિતના અંતરિયાળ વિસ્તારોમાં ભૂમાફિયાઓનું ગેરકાયદેસર સામ્રાજ્ય : તંત્ર દાખલારૂપ કાર્યવાહી કરી ખનીજ ચોરીના પોઇન્ટ બંધ કરાવે તેવી ક્ષેત્રના નાગરિકોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત : પ્રાંતની કાર્યવાહીમાં પથ્થરમારાની ઘટનાએ ઘેરા પ્રત્યાઘાત પડયા છે તેને હવે મહેસુલ, પોલીસ અને ખાણ ખનીજ તંત્ર કેવી રીતે કડકાઈથી કામગીરી કરે છે તે જોવું રહ્યું....



ખનિજ માફિયાઓ સાથે કોઈ ભ્રષ્ટ પોલીસના કર્મીઓ સંકળાયેલા હોય તો તેવા ભ્રષ્ટાચારી ખાખીધારીઓના નામ સરકારમાં આપી તેમને બેનકાબ કરવા જરૂરી : નખત્રાણા પ્રાંત અધિકારી સમગ્ર ઘટનાક્રમમાંથી બોધપાઠ લઈ કડક કાર્યવાહી કરે તો કચ્છથી બહાર જતા ખનિજની ખેપ અટકે અને સરકારી તિજોરીને ચૂનો ચોપડતા ખનિજ માફિયાઓની કમર તૂટે : સ્થાનિક જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો મત


તંત્ર ખરેખર જાગૃત અને ઈમાનદાર બને, તો કોઈપણ ખનીજ માફિયા જમીનમાંથી એક તગારું રેતી પણ ઉપાડવાની હિંમત કરી શકે નહીં : નખત્રાણા પ્રાંત અધિકારીના સપાટા બાદ જાગૃત લખપતવાસીઓએ વ્યક્ત કરી લાગણી


ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના સરહદી એવા લખપત તાલુકામાં ખનીજ સંપત્તિ પર ત્રાટકેલા માફિયાઓનો આતંક દિવસેને દિવસે વધુ ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે. માંડવી અને અબડાસા પંથક બાદ હવે લખપતના પટ્ટામાં પણ ભૂમાફિયાઓ કાયદા અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડીને કુદરતી સંપત્તિની સરેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. સ્થાનિક સ્તરેથી મળતી ગંભીર વિગતો મુજબ, આ સમગ્ર તાલુકામાં જાણે ખનીજ ચોરીનું કોઈ વિધિવત ‘સેક્શન’ શરૂ થઈ ગયું હોય તેમ એક પછી એક અનેક ગેરકાયદેસર પોઇન્ટ ધમધમી રહ્યા છે. જમીનમાંથી મોંઘામૂલા ખનીજ પદાર્થોનું કાળા બજારમાં વેચાણ કરીને તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડતા આ કાળી કમાણીના કારોબારીઓને હવે કોઈનો પણ ભય રહ્યો નથી, જેના કારણે સમગ્ર સરહદી પંથકમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ફેલાયેલી છે.
તાજેતરમાં જ મુરચબાણ વિસ્તારમાં ચાલતા આવા જ એક ગેરકાયદે ખનન પોઇન્ટ પર અધિકારીની સતર્કતાથી તંત્રનો દંડૂકો વીંઝાયો હતો. નખત્રાણાના પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજવલે હેલ્મેટ પહેરી, મોટરસાયકલ પર સવાર થઈ પોતાની ઓળખ છુપાવીને ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી અને દરોડો પાડી કાયદાકીય શિકંજો કસ્યો હતો. આ ઘટના એ વાતની સ્પષ્ટ સાબિતી આપે છે કે વિસ્તારમાં ખનીજ ચોરીનું દૂષણ કેટલું ઊંડે સુધી ઘર કરી ગયું છે. તંત્રના ઉચ્ચ અધિકારી દ્વારા કરાયેલી આ પર્સનલ રેડ બાદ પણ ખનીજ માફિયાઓની હિંમત ઘટી નથી. સ્થાનિક વર્તુળોમાંથી છતી થતી માહિતી મુજબ, મુરચબાણ કેસ બાદ પણ આસપાસના વિસ્તારોમાં ‘સેક્શન’ હેઠળ અંદાજિત પાંચ જેટલા અન્ય શંકાસ્પદ પોઇન્ટ પર રાત-દિવસ ગેરકાયદે ખનન અને પરિવહન ચાલી રહ્યું હોવાના સણસણતા અહેવાલો વહેતા થયા છે.
સ્થાનિક જાગૃત નાગરિકો અને ગ્રામજનોનું સ્પષ્ટ આક્ષેપ સાથે માનવું છે કે જો વહીવટી તંત્ર ખરેખર જાગૃત અને ઈમાનદાર બને, તો કોઈપણ ખનીજ માફિયા આ જમીનમાંથી એક તગારું રેતી કે ખનીજ પણ ઉપાડવાની હિંમત કરી શકે નહીં. ભૂતકાળમાં ખાણ-ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા દાખવવામાં આવેલી ઢીલી નીતિ અને અંદરખાને મળતા છુપા ટેકાના પરિણામે જ આજે માફિયાઓને આવું ખુલ્લું મોકળું મેદાન મળી ગયું છે. વહીવટી અધિકારીએ દાખવેલી હિંમતથી એ સાબિત થઈ ચૂક્યું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ક્યાં અને કેવી રીતે ચાલી રહી છે, પરંતુ હવે જરૂરિયાત એ વાતની છે કે માત્ર એકાદ સ્થળે કાર્યવાહી કરીને સંતોષ માનવાને બદલે સમગ્ર લખપત પંથકના તમામ સક્રિય અને છુપા પોઇન્ટ્‌સ પર વ્યાપક તપાસનું ચક્ર ફેરવવામાં આવે.
હાલ સ્થિતિ એવી છે કે લખપત તાલુકાની અમૂલ્ય ખનીજ સંપત્તિને બચાવવા માટે સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને ખાણ-ખનીજ ખાતાએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરવું અનિવાર્ય બની ગયું છે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં સતત સરપ્રાઇઝ ચેકિંગ, ડ્રોન સર્વેલન્સ અને સીમાવર્તી રસ્તાઓ પર કડક નાકાબંધી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઊઠી રહી છે. જો તંત્ર હવે પણ ગાફલ રહેશે તો ખનીજ માફિયાઓ જિલ્લાની આ કુદરતી ધરોહરને સાવ ખોખલી કરી નાખશે. લોકોની સ્પષ્ટ માગણી છે કે સમગ્ર પંથકમાં ચાલતા ‘સેક્શન’ કલ્ચરનો કાયમી ધોરણે અંત આણવામાં આવે અને કાળા કારોબારના આકાઓ સામે ગુનાહિત કલમો હેઠળ દાખલારૂપ કાનૂની કાર્યવાહી કરી કાયદાનો ભય સ્થાપિત કરવામાં આવે.  મહત્ત્વનું છે કે, પ્રાંત અધિકારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવા બાબતે દયાપર પોલીસમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજુ રબારી, લાખુભા જાડેજા અને એક અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે પીઆઈ વી.બી. પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ત્રણ દિવસ પૂર્વે આરોપીઓને પકડી લેવામાં આવ્યા  છે અને ભુજ કોર્ટમાં રજૂ કર્યા બાદ જામીન પર છુટી ગયા હોવાનું જણાવ્યું હતું. સામાન્ય રીતે પોલીસ દ્વારા નાના નાના ગુનાઓમાં પણ આરોપીને પકડીને પ્રેસનોટ જાહેર કરવામાં આવતી હોય છે. સમગ્ર  કચ્છમાં ચકચાર જગાવનાર આઈએએસ અધિકારી પર હુમલાની ઘટનામાં આરોપીઓ પકડાયા અને તેની માહિતી પોલીસ દ્વારા જાહેર કરવામાં ન આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. 


 

Comments

COMMENT / REPLY FROM