Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં રેલવે ક્રાંતિઃ દેશની પ્રથમ સ્પેશિયલ સૉલ્ટ કન્ટેનર ટ્રેનનો શિવલખાથી પ્રારંભ

15 September

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કચછ અને ગુજરાત માટે કરોડો રૂપિયાના રેલવે પ્રોજેક્ટ્‌સ તથા પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કર્યા : નવનિર્મિત ગોપાલપૂર રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ : રૂ. ૫૬૦૦ કરોડના પ્રકલ્પોથી સરહદી જિલ્લો ધમધમશે : અંજારમાં ભુજ-શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનો શુભારંભ

અમદાવાદ : ગુજરાત અને ખાસ કરીને સરહદી કચ્છ જિલ્લાના ઔદ્યોગિક, માલ-પરિવહન અને મુસાફર સુવિધાના ક્ષેત્રે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. કેન્દ્રીય રેલ, માહિતી અને પ્રસારણ તથા ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કચ્છના શિવલખાથી દેશની સૌપ્રથમ વિશિષ્ટ સૉલ્ટ કન્ટેનર ટ્રેનને મીઠાપુર માટે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં લોજિસ્ટિક્સ નેટવર્કને મજબૂત કરતા પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનું લોકાર્પણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા. મુસાફરોની લાંબા સમયની માંગણી સંતોષતા અંજાર રેલવે સ્ટેશન ખાતે ભુજ - શાલીમાર એક્સપ્રેસ ટ્રેનના નવા સ્ટોપેજનો પણ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કચ્છ જિલ્લો દેશમાં મીઠાના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે, પરંતુ પરંપરાગત રેલવે વેગનમાં નમી અને વજનના સંતુલનને કારણે લાંબા અંતરના પરિવહનમાં મુશ્કેલીઓ પડતી હતી. આ ટેકનિકલ પડકારનો કાયમી ઉકેલ લાવવા રેલવે મંત્રાલયે ખાસ ડિઝાઇન કરેલા સ્ટેનલેસ સ્ટીલ સૉલ્ટ કન્ટેનર તૈયાર કર્યા છે. જેમાં ટોપ-લોડિંગ અને સાઈડ-અનલોડિંગની સુવિધા હોવાથી મીઠાની ગુણવત્તા જળવાઈ રહેશે અને સુરક્ષિત પરિવહન શક્ય બનશે. આ નવીન પહેલથી કચ્છના મીઠા ઉત્પાદકો અને સ્થાનિક વેપારીઓને દેશભરના બજારો સુધી સીધો અને ઝડપી રેલ સંપર્ક મળશે.કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે હાલ રૂ.૫૬૦૦ કરોડના ખર્ચે વિવિધ રેલવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. સામખીયાળી, ભુજ, ભચાઉ, ભીલડી અને ગાંધીધામ જેવા મુખ્ય સ્ટેશનોને આધુનિક બનાવાઈ રહ્યા છે. રેલવે ટ્રેક વિસ્તરણ હેઠળ સામખીયાળી - ભચાઉ ફોર-લાઇનિંગ અને ગાંધીધામ - આદિપુર ફોર લાઇનિંગ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે ભચાઉ - ગાંધીધામ વચ્ચે ત્રીજી અને ચોથી લાઈન તથા આદિપુર - ભુજ સેક્શનમાં સિંગલ લાઈનને ડબલ લાઈનમાં ફેરવવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. ઉપરાંત, ભુજ - નલિયા ગેજ કન્વર્ઝન બાદ હવે નલિયા - જખૌ પોર્ટ નવી રેલ લાઈન અને નલિયાથી વાયોર, નારાયણ સરોવર, લખપત, હાજીપીર અને લુણા થઈ દેશલપરને જોડતી નવી રેલ લાઈનને મંજૂરી મળતાં સમગ્ર કચ્છનું રેલ નેટવર્ક વધુ મજબૂત બનશે.કાર્યક્રમ દરમિયાન કચ્છના ભીમાસર અને શિવલખા સહિત ગુજરાતના પાંચ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (જીસીટી) રાષ્ટ્રને સમર્પિત કરાયા હતા. શિવલખા ખાતે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે કેજીએસ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવી રહ્યું છે જ્યાં કન્ટેનર ટ્રાફિક સાથે નવા રેલવે વેગન નિર્માણની સુવિધા ઊભી થશે, જેનાથી આશરે ૨૫૦૦ લોકોને રોજગારી મળશે. ભીમાસર ખાતે રૂ.૭૫ કરોડના રોકાણથી બનેલ ટર્મિનલથી આશરે ૧૦૦૦રોજગારીની તકોનું સર્જન થશે. આ સિવાય દેવળીયા, ચંડીસર અને લીંચના ટર્મિનલથી સમગ્ર પ્રદેશમાં માલ-સામાનની આધુનિક હેન્ડલિંગ ક્ષમતામાં અનેકગણો વધારો થશે.સ્થનિક મુસાફરો અને વેપારીઓ માટે અંજાર સ્ટેશન પર ભુજ - શાલીમાર એક્સપ્રેસના રોકાણનો પ્રારંભ થતાં હવે અંજારવાસીઓને લાંબા અંતરની મુસાફરી માટે અન્ય સ્ટેશનો પર જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ સાથે ગોપાલપુર રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગોપાલપુર સ્ટેશનના વિકાસથી અમદાવાદ અને ભુજ તરફથી આવતી-જતી ટ્રેનો માટે ગાંધીધામ ખાતે એન્જિન રિવર્સલ કરવાની જરૂર નહીં રહે, જેથી ટ્રેનોના પરિચાલન સમયમાં મોટો બચાવ થશે. આ તમામ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, મેયર દિવ્યાબેન નાથાણી, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના જનપ્રતિનિધિઓ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM