રાષ્ટ્રભરના ૫૧ શ્રેષ્ઠ શિક્ષકોને ટ્રોફી અને પ્રમાણપત્રથી વિભૂષિત કરાયા
ભારતીય માનવ સેવક સેવા સંસ્થાન દિલ્હી દ્વારા ઓલ ઇન્ડિયા ટીમ ગુજરાત તથા ટીમ સ્વયં સિદ્ધાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક ગુરૂજી એવોર્ડ - શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક ૨૦૨૬ અપાયા
ભુજ - કચ્છઉદય : ભારતીય માનવ સેવક સેવા સંસ્થાન દિલ્હી દ્વારા ઓલ ઇન્ડિયા ટીમ ગુજરાત તથા ટીમ સ્વયં સિદ્ધાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક ગુરુજી એવોર્ડ - શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક ૨૦૨૬” સન્માન સમારંભનું આયોજન ભુજોડી ખાતે આવેલ વંદે માતરમ્ મેમોરિયલ, હીરાલક્ષ્મી પાર્કના ઓડિટોરિયમ હોલમાં કરવામાં આવ્યું હતું. સન્માન સમારંભમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને નોંધપાત્ર યોગદાન આપનાર ગુજરાતના ૪૦ તથા રાજ્ય બહારના ૧૧ મળી ૫૧ પ્રતિભાવંત શિક્ષકોને તેમની શૈક્ષણિક સેવાઓ બદલ ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં જાણીતા એન્જિનિયર અને બિલ્ડર મનીષભાઈ શશીકાંત શાહ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે પારૂલબેન કારા, પ્રમુખ ભાજપ મહિલા મોરચો તથા વેલજીભાઈ મહેતા પ્રમુખ નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે પૃથ્વીરાજસિંહ ઝાલા, ઇન્ચાર્જ શિક્ષણાધિકારી, મહેશદાનભાઈ ગઢવી ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નયનસિંહ જાડેજા શિક્ષણ સંગઠન, રચનાબેન શાહ, વાઇસ પ્રેસિડેન્ટ, ડિસ્ટ્રીક્ટ ૩૦૫, કમલબેન જોશી લાયન્સ એમજીએફ, મીનાબેન દાવડા ફાઉન્ડર મિશન ભુજ કચ્છ અને ડાયરેક્ટર મોમ્સ સ્કૂલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મંચસ્થ મહાનુભાવો, કચ્છ શાખાના પ્રમુખ ડૉ. રૂપાલીબેન મોરબીયા તથા ડૉ. મમતા ભટ્ટ દ્વારા દિવ્ય દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં જીયા મજેઠીયા દ્વારા સુંદર ક્લાસિકલ નૃત્ય સાથે ગણપતિ વંદના રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રોશની ગ્રુપ માંડવી - બાગ મસ્કા ગામની દીકરીઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. અંતરા ભટ્ટ દ્વારા હૃદયસ્પર્શી ગુરૂ વંદના ગીત રજૂ કરી ગુરૂજનો પ્રત્યે ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાલ અને પુસ્તક અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ જગતમાંથી પસંદ કરાયેલા ૫૧ પ્રતિભાવંત શિક્ષકોને તેમની શૈક્ષણિક કામગીરીના વિડિયો પ્રદર્શન સાથે ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.પૃથ્વીરાજસિંહ ઝાલાએ શિક્ષણના આ મહાપર્વને બિરદાવી તમામ પુરસ્કૃત શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. મહેશદાન ગઢવીએ સમાજ તથા બાળકોના જીવન ઘડતરમાં શિક્ષકની અહમ ભૂમિકા અંગે પ્રાસંગિક અને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય મહેમાનોએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સફળ આયોજન બદલ સમગ્ર ટીમને બિરદાવી હતી. મીનાબેન દાવડા, કમલબેન જોશીએ કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર તેમજ કચ્છની શાળાઓને વિશેષ દાન આપતા એનઆરઆઈ દાતા શાંતિલાલ વેલજી ભંડેરી (રામપર વેકરા) તરફથી પણ કાર્યક્રમને બિરદાવતો શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. સંચાલન કાજલ ઠક્કરે કર્યું હતું. કાર્યક્રમના ટેકનિકલ સંચાલનમાં સુનિલ ગાંધી, આશિષ શાહ અને રોશની શાહએ સહયોગ આપ્યો હતો, જ્યારે ફોટોગ્રાફી માટે નિતીનભાઈ પંડ્યાએ સહયોગ આપ્યો હતો.ટીમ સ્વયં સિદ્ધાના કચ્છ એકમના પ્રમુખ ડૉ. રૂપાલીબેન મોરબીયાના નેતૃત્વ હેઠળ કૈલાશ કપૂપરા, હેમલ ત્રિવેદી, વિશ્વા હીરાણી, ક્રિષ્ના જોશી, પ્રીતિ જોશી, ખુશ્બુ સરવૈયા, આરતી જાની, સોનલ હીરાણી, કામિની કુબડીયા અને જયશ્રી સોની સહિતની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા અથાગ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ અર્ચનાએ કરી હતી. તેમ ડૉ. મમતા ભટ્ટની યાદીમાં જણાવાયું હતું.
---------

Comments