Trending News
સ્થાનિક સમાચાર

રાપર તાલુકામાં આકાશી વીજળીનો કહેરઃ બે યુવકોના મોત

15 September

વરસાદી માહોલ વચ્ચે ખુલ્લા વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓથી સરહદી પંથકમાં ચિંતાનો માહોલ : વાડી અને ખેતર વિસ્તારમાં લોકોને સતર્ક રહેવા અપીલ

રાપર - કચ્છઉદય : કચ્છ જિલ્લાના સરહદી રાપર તાલુકામાં છેલ્લા બે દિવસથી જામેલા વરસાદી માહોલ વચ્ચે આકાશી વીજળી પડવાના બનાવોએ ભારે અરેરાટી વ્યાપાવી દીધી છે. તાલુકામાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓમાં વીજળીની ચપેટમાં આવી જવાથી બે આશાસ્પદ યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ બનાવોને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.પ્રથમ બનાવમાં જીલાર વાંઢ વિસ્તારમાં બકરા ચરાવવા ગયેલા કેસાભાઈ તરસી કોળી નામના યુવક પર અચાનક આકાશી વીજળી ત્રાટકી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા આ યુવકને તાત્કાલિક અસરથી નજીકના હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી ઘટના આડેસર ગામે સામે આવી છે, જ્યાં વરસાદી વાતાવરણ દરમિયાન આકાશી વીજળી પડતાં જયંતિભાઈ ભવાનભાઈ પરમાર નામના યુવકનું ઘટનાસ્થળે જ અકાળે અવસાન થયું હતું.માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં વીજળી પડવાથી બે-બે યુવાનોના મોત થતાં સ્થાનિક લોકો અને વહીવટી તંત્રમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. વર્તમાન મેઘાવી માહોલને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડુંગર, ખેતર, વાડી તેમજ ખુલ્લા વિસ્તારોમાં કામ કરતા લોકોને ખાસ સાવચેતી રાખવા અને આકાશી વીજળીના જોખમથી બચવા સુરક્ષિત સ્થળે આશરો લેવા અપીલ કરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM