કચ્છમાં ઓગસ્ટ મહિનામાં શ્રાવણીયો જુગાર રમતા ૭૦૦ ખેલી ઝડપાયા, ૨૨ લાખની રોકડ જપ્ત
પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં દરરોજ સરેરાશ ૫ થી ૬ પડ પર ત્રાટકતી ખાખી : ભુજ, ગાંધીધામ, મુન્દ્રા, માંડવી અને અંજારમાં સીમ, વાડીઓ અને તળાવની પાળે જુગારના હાટડા ધમધમ્યા : તહેવારની આડમાં સામાજિક દૂષણ વકર્યું : નાની માછલીઓ જાળમાં, પણ મોટી ‘જુગાર ક્લબો’ હજુય પોલીસ પકડથી દૂર
ભુજ - કચ્છઉદય : શ્રાવણ મહિનો એટલે ભક્તિ અને આરાધનાનો માસ, પરંતુ કચ્છમાં આ પવિત્ર માસની શરૂઆત થતાં જુગારની બદીએ માથું ઊંચક્યું છે. તહેવારની ઉજવણીના બહાને જિલ્લામાં ઠેર-ઠેર જુગારના અડાઓ ધમધમી રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જુગારના આ નેટવર્કને તોડી પાડવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરની ગલીઓથી લઈને અંતરિયાળ ગામડાઓ સુધી પોલીસની ગાડીઓ દોડી રહી છે, તેમ છતાં શ્રાવણીયો જુગાર ડામવો પોલીસ માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યો છે.
શ્રાવણ માસના આ શરૂઆતના દિવસોમાં જ પોલીસ દ્વારા રોજેરોજ સરેરાશ પાંચથી છ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત ચાલુ ઓગસ્ટ મહિનામાં જ અત્યાર સુધીમાં ૭૦૦ કરતાં વધુ જુગારીઓને ઝડપી પાડીને તેમના વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરવામાં આવ્યા છે. ભુજ, મુન્દ્રા, માંડવી, અંજાર, ગાંધીધામ અને નખત્રાણા જેવા મુખ્ય મથકો અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં જુગારનું દૂષણ કેટલી હદે વ્યાપી ગયું છે, તેની ચાડી આ આંકડાઓ ખાઈ રહ્યા છે. ઘરોની અંદર, મહોલ્લાની બહાર, ખેતરોની સીમમાં અને તળાવની પાળ જેવા એકાંત સ્થળોએ જુગારના પટ મંડાઈ રહ્યા છે. પોલીસ દ્વારા દરોડા દરમિયાન ૨૨ લાખ રૂપિયાથી વધુની માતબર રોકડ રકમ કબજે કરવામાં આવી છે. નોંધનીય છે કે આ તો માત્ર પોલીસ ચોપડે કાગળ પર દર્શાવવામાં આવેલો રોકડ મુદ્દામાલ છે. આ ઉપરાંત જુગારીઓના મોંઘાદાટ વાહનો, લક્ઝુરિયસ કાર અને સ્માર્ટફોનનો હિસાબ માંડવામાં આવે તો આ આંકડો કરોડોમાં પહોંચે તેમ છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ કાર્યવાહી દરમ્યાન ૬૦થી વધુ ખેલીઓ પોલીસને થાપ આપીને, અંધારાનો કે ભીડનો લાભ લઈ ફરાર થવામાં સફળ રહ્યા હતા, જે પોલીસના સર્ચ ઓપરેશન પર સવાલો ઊભા કરે છે.
....................
મોટી જુગાર ક્લબ કેમ પકડાતી નથી? નાની માછલીઓ જ કેમ?
શ્રાવણ મહિનો અડધો વીતી ગયો છે અને હવે સાતમ-આઠમનો તહેવાર બિલકુલ માથે છે. તહેવારના નામે જુગાર રમવાની એક ખોટી અને જીવલેણ માન્યતા લોકોમાં ઘર કરી ગઈ છે. ત્યારે પ્રજામાં સૌથી મોટો સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે, પોલીસ માત્ર નાના જુગારીઓને જ કેમ પકડી રહી છે? ઝડપાયેલા ૭૦૦ જુગારીઓમાંથી મોટાભાગના શેરીઓ કે વાડીઓમાં પાંચ-પચીસ હજારની હાર-જીત કરતા સામાન્ય લોકો છે. તો પછી લાખો રૂપિયાની હાર-જીતનો ખેલ ખેલતી અને એસી રૂમો કે ફાર્મ હાઉસમાં ધમધમતી ’મોટી જુગાર ક્લબો’ પોલીસને કેમ દેખાતી નથી? આ મોટા માથાઓ કોની રહેમનજર હેઠળ સુરક્ષિત છે?
.................
પોલીસ કામગીરી સામે ઊઠતા સવાલો અને હળવો રોષ
પોલીસ રોજ દરોડા પાડીને કાર્યવાહીના આંકડાઓ તો મોટા બતાવી રહી છે, પરંતુ હકીકત એ છે કે મૂળ આયોજકો (સંચાલકો) અને મોટા જુગારીઓ હજુ પકડ્યા બહાર છે. કચ્છ જેવા વિશાળ વિસ્તારમાં જો પોલીસ ધારે તો મોટા નેટવર્કને પણ રફેદફે કરી શકે છે, પરંતુ માત્ર નાના આંકડાઓ બતાવીને કામગીરીનો સંતોષ માનવામાં આવી રહ્યો હોય તેવી છાપ પ્રજામાં ઊભી થઈ છે. ખાખી વર્દીની કામગીરી ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં આવી છે અને મોટા મગરમચ્છોને છાવરવામાં આવતા હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
.............
જુગાર એટલે સંપૂર્ણ બરબાદીઃ એક સામાજિક કેન્સર
સાતમ-આઠમના તહેવારને નામે રમાતો જુગાર કોઈ ધાર્મિક પરંપરા નથી, પરંતુ એક ભયંકર સામાજિક દૂષણ છે. આ એક એવું કેન્સર છે જે ધીમે ધીમે આખા પરિવારને કોરી ખાય છે. જુગારના રવાડે ચડેલા પરિવારોમાં માત્ર આર્થિક પાયમાલી જ નથી આવતી, પરંતુ દેવું વધતા ઘરમાં ઝઘડા, કલેશ, ઘરેલુ હિંસા અને માનસિક અશાંતિ પ્રવેશે છે. રાતોરાત પૈસાદાર થવાની લાલચમાં અનેક યુવાનો પોતાનું ભવિષ્ય અને પરિવારની આબરૂ હારી બેસે છે. અંતે આપઘાત કે ગુનાખોરીના રવાડે ચડવાનો વારો આવે છે. તહેવારની સાચી ઉજવણી પરિવાર સાથે આનંદ માણવામાં છે, પૈસા અને સંબંધોની હોળી કરવામાં નહીં. પ્રબુદ્ધ નાગરિકોએ આ દૂષણથી અંતર જાળવવું જ રહ્યું.
..............

Comments