કચ્છી લેવા પટેલ સમાજ ચોવીસીની બહેનોએ બીએસએફના જવાનો સાથે રક્ષાબંધન ઉજવી
ભુજ-કચ્છઉદય : કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની પ્રીતિરૂપ અને દેશભક્તિસભર ઉજવણીના ભાગરૂપે સીમા સુરક્ષા બળ (બીએસએફ)ના જવાનો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની સરહદોનું અહર્નિશ રક્ષણ કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહભાવ વ્યક્ત કરવાના હેતુથી ભુજ ખાતે કાર્યરત બીએસએસની ૬૮મી અને ૧૭૬મી બટાલિયનના જવાનો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કચ્છ ચોવીસીની લેવા પટેલ જ્ઞાતિની બહેનોએ સરહદના સંત્રીઓને બે અલગ-અલગ ગ્રુપમાં જવાનોને રાખડી બાંધી. આરતી ઉતારીને તેમના મુખ મીઠા કરાવ્યા હતા. રાખડી બાંધી તેમના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. પોતાના ઘર અને પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતા બીએસએફના જવાનોએ પણ મહિલાઓની આ લાગણી અને સ્નેહને હૃદયપૂર્વક બિરદાવી હતી. બહેનોના આ પ્રેમથી અભિભૂત થઈને જવાનોએ દેશની સુરક્ષા કાતરે સદા તત્પર રહેવાના પોતાના સંકલ્પને દોહરાવ્યો હતો.
આ પ્રસંગે સમાજની બહેનો સાથે કચ્છી લેવા પટેલ સમાજ ભુજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સમાજના ટ્રસ્ટીઓ રવજીભાઈ ખેતાણી, વિનોદભાઈ પિંડોરિયા, કાંતાબેન વેકરીયા, મનીષાબેન પટેલ, હંસાબેન હરસિયાણી, કસ્તુરબેન ગોરસિયા, અર્પિતાબેન વેકરીયા સહિતના હોદ્દેદારોએ હાજરી આપીને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે સમાજના અગ્રણીઓએ બીએસએફના અધિકારીઓ અને જવાનો સાથે સંવાદ સાધીને તેમની અથાક સેવાઓની સરાહના કરી હતી.
------

Comments