Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ બન્યું ગુનેગારો માટે ‘સેફ હેવન’? વતનમાં ગુના આચરી જિલ્લાના ઔદ્યોગિક બેલ્ટમાં છુપાતા અપરાધીઓ કાયદાના રક્ષકો માટે પડકાર 

30 August



વતનમાં ગુના આચરી જિલ્લાના ઔદ્યોગિક બેલ્ટમાં છુપાતા અપરાધીઓ કાયદાના રક્ષકો માટે પડકાર 


ભુજ - કચ્છઉદય : વર્ષ ૨૦૦૧માં આવેલા મહાભૂકંપ પછી કચ્છ જિલ્લાએ જે ઔદ્યોગિક વિકાસની છલાંગ લગાવી છે તેણે સમગ્ર દેશના શ્રમિકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. ખાસ કરીને ગાંધીધામ, અંજાર, મુન્દ્રા અને ભચાઉ જેવા વિશાળ ઔદ્યોગિક પટ્ટાઓમાં હજારો નાના-મોટા ઉદ્યોગો, પોર્ટ અને શિપિંગ કંપનીઓ ધમધમી રહી છે. આ કારખાનાઓમાં સ્થાનિક રોજગારીની સાથે સાથે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રમજીવીઓ આવીને વસ્યા છે. આ શ્રમિકો કચ્છના અર્થતંત્રનું ચાલકબળ છે તેમાં કોઈ બેમત નથી, પરંતુ આ આર્થિક વિકાસની પાછળ એક એવું કાળું સત્ય છુપાયેલું છે જે અવારનવાર સમગ્ર જિલ્લાની શાંતિ દોહળી નાખે છે. અન્ય રાજ્યોમાં ગંભીર ગુના આચરીને ભાગેલા શાતિર ગુનેગારો માટે કચ્છનો આ ઔદ્યોગિક વિસ્તાર સૌથી સુરક્ષિત શરણસ્થળી બની રહ્યો છે. ગુનેગારો પોતાના વતનમાં કે પોતાના રાજ્યમાં હત્યા, સશસ્ત્ર લૂંટ, બળાત્કાર કે મોટા આર્થિક કૌભાંડો જેવા ગુના આચરીને સીધા કચ્છના ઔદ્યોગિક વિસ્તારોમાં પહોંચી જાય છે. અહીં આવ્યા પછી તેઓ બહુ સહજતાથી ઓળખ બદલીને સામાન્ય શ્રમિક કે મજૂર તરીકે ઓળખ ઊભી કરી લે છે અને સ્થાનિક સ્તરે ભાડાના મકાનોમાં છુપાઈ જાય છે. કચ્છમાં અન્ય રાજ્યોમાં ગુન્હા કરી આસ્ય સ્થાન મેળવીને રહેતા અનેક કિસ્સા ચમકી ચુકયા છે. જેમાં બિસ્નોઈ ગેગના મુન્દ્રા અને માતાનામઢમાં પકડાયેલા ગુન્હેગારો, એવી અનેક ગુન્હા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. 
સ્થાનિક સ્તરે ગુનેગારોને મોકળું મેદાન મળવા પાછળ મકાનમાલિકો અને નાના કોન્ટ્રાક્ટરોની બેદરકારી સૌથી મોટું કારણ છે. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને મકાન ભાડે આપતી વખતે કે કારખાનામાં કામે રાખતી વખતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની વિગતો જમા કરાવીને વેરિફિકેશન કરાવવું કાયદાકીય રીતે અનિવાર્ય છે. આમ છતાં, માત્ર થોડી વધુ રકમનું ભાડું મેળવી લેવાની લાલચમાં મકાનમાલિકો કોઈ પણ જાતના ઓળખપત્ર કે પોલીસ વેરિફિકેશન વગર અજાણ્યા લોકોને ઓરડીઓ ભાડે આપી દે છે. તેવી જ રીતે, સસ્તા દરે મજૂરો મેળવી લેવાની લાલસામાં નાના-મોટા કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરો અને ફેક્ટરી સંચાલકો પણ તેમની કાગળિયાંની ચકાસણી કર્યા વિના જ રોકડા પગારે કામે રાખી લે છે. ગુનેગારો આ તકનો પૂરો લાભ ઉઠાવે છે. તેઓ સાચાં કે બોગસ આધાર કાર્ડ બતાવીને ઓળખ બદલે છે અને વર્ષો સુધી કાયદાના લાંબા હાથથી બચીને આરામથી રહે છે.
કચ્છમાં ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભૂતકાળમાં કરાયેલી કાર્યવાહીના આંકડા તપાસવામાં આવે તો ચોંકાવનારી વિગતો સામે આવે છે. અન્ય રાજ્યોની પોલીસ અવારનવાર પોતાના વિસ્તારના વોન્ટેડ કે ઇનામી ગુનેગારોને શોધતી કચ્છ સુધી પહોંચે છે અને ગાંધીધામ કે મુન્દ્રાની કોઈ ફેક્ટરીમાંથી અતિ ખતરનાક ગુનેગારને ઝડપી પાડે છે ત્યારે સ્થાનિક રહીશો પણ સ્તબ્ધ થઈ જાય છે. ઘણી વખત આ ગુનેગારો કચ્છમાં રહ્યા પછી શાંત બેસી રહેતા નથી પરંતુ સ્થાનિક સ્તરે પણ બંધ મકાનોની રેકી કરવી, રાત્રિના સમયે ચોરી કે લૂંટ કરવી અને અંગત અદાવતમાં નિર્મમ હત્યાઓ જેવી ઘટનાઓને અંજામ આપે છે. ગુનો આચર્યા બાદ તેઓ રાતોરાત પોતાની ઓરડી ખાલી કરીને કે ફેક્ટરીમાંથી પલાયન થઈને પોતાના વતનમાં કે અન્ય રાજ્યમાં ભાગી જાય છે. પોલીસ જ્યારે તપાસ શરૂ કરે છે ત્યારે મકાનમાલિક કે કોન્ટ્રાક્ટર પાસે તે વ્યક્તિનું સાચું નામ, સરનામું કે ફિંગરપ્રિન્ટ જેવા કોઈ નક્કર પુરાવા જ હોતા નથી, જેના કારણે ગુનેગારને પકડવો અત્યંત પડકારજનક બની 
જાય છે.
આ પરિસ્થિતિ સામે પોલીસ તંત્ર દ્વારા સમયાંતરે કડક ઝુંબેશ ચલાવવામાં આવે છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને મકાનમાલિકો તથા ઉદ્યોગકારોને વેરિફિકેશન કરાવવાની સૂચનાઓ આપવામાં આવે છે. જોકે, માત્ર થોડા સમયની કડકાઈ બાદ ફરી પરિસ્થિતિ જેસે થે થઈ જાય છે. જ્યાં સુધી સ્થાનિક નાગરિકો, સોસાયટીના પ્રમુખો, મકાનમાલિકો અને ઔદ્યોગિક એકમો પોતાની સામાજિક અને કાયદાકીય જવાબદારી નહીં સમજે ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા પર આ જોખમ તોળાતું જ રહેશે. સસ્તા મજૂર કે વધુ ભાડાની લાલચમાં કરવામાં આવતી એક નાની બેદરકારી સમગ્ર વિસ્તાર માટે ભારે સુરક્ષા જોખમ ઊભું કરી શકે છે.

..................


લોરેન્સ બિશ્નોઈ ગેંગના કુખ્યાત આરોપીઓ કચ્છમાંથી પકડાયા છે 


પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હતો. આ ગેંગના મુખ્ય સૂત્રધારો અને હત્યાને અંજામ આપી આરોપીઓ કચ્છમાં આવી છુપાયા હતા. મુન્દ્રામાં આવેલ કંપનીઓની લેબર કોલોનીમાં આરોપીઓ છુપાયા હતા અને પોલીસે પકડી લીધા હતા. જે બાદ સલમાનખાનને ધમકી આપનારા આરોપીઓ માતાના મઢમાંથી પકડાયા હતા. જ્યારે જ્યારે દેશમાં આવી કોઈ ચર્ચાસ્પદ ઘટના બને ત્યારે તેના આરોપીઓ કચ્છમા આવીને છુપાઈ જાય છે. કારણ કે કચ્છના દરેક તાલુકામાં ઔદ્યોગિક એકમો, ટ્રાન્સપોર્ટ હોઈ મજૂરના વેશમાં આવી જાય અને કચ્છમાં છુપાય છે. ભૂતકાળમાં ગાંધીધામમાંથી પણ ઘણા કુખ્યાત ગુનેગારો પકડાયા છે. 


..............

બોગસ ઓળખપત્રોનો ખેલ : ફેક આધાર અને નકલી સિમકાર્ડનું મોટું નેટવર્ક


અન્ય રાજ્યોના ગુનેગારો ઓળખ છુપાવવા માટે ટેકનોલોજી અને નકલી કાગળોનો આશરો લે છે


ભુજ : પરપ્રાંતિય વિસ્તારોમાંથી ભાગીને કચ્છમાં આવતા શાતિર અપરાધીઓ માટે નકલી ઓળખપત્રો મેળવવા એ રમતવાત બની ગઈ છે. પોતાના મૂળ રાજ્યમાંથી ભાગતી વખતે તેઓ પોતાના અસલી કાગળો ત્યાં જ છોડી દે છે અને અહીં આવ્યા બાદ થોડી રકમ આપીને બોગસ આધાર કાર્ડ કે નકલી ઓળખપત્રો તૈયાર કરાવી લે છે. આ નકલી આધાર કાર્ડના આધારે તેઓ સરળતાથી બીજું સિમકાર્ડ પણ મેળવી લે છે. સ્થાનિક મકાનમાલિક કે કોન્ટ્રાક્ટર જ્યારે માત્ર ખાતરી ખાતર ઓળખપત્ર માગે છે ત્યારે આ નકલી કાગળો રજૂ કરી દેવામાં આવે છે. કાગળોની અસલિયત તપાસવાની કોઈ વ્યવસ્થા સામાન્ય નાગરિકો પાસે ન હોવાથી આ ખેલ સરળતાથી ચાલ્યા કરે છે. પોલીસ જ્યારે ગુનાના સ્થળેથી મળેલા મોબાઇલ નંબરના આધારે તપાસ કરે છે ત્યારે સિમકાર્ડ પણ કોઈ ગરીબ કે અજાણ્યા વ્યક્તિના નામે નીકળે છે. આ મોડસ ઓપરેન્ડીને કારણે ગુનેગારો સુધી પહોંચવામાં પોલીસને મોટો સમય વિતાવવો પડે છે.


.................

ઘરબેઠા વેરિફિકેશન શક્ય છતાં સિટીઝન પોર્ટલનો ઉપયોગ કરવામાં આળસ

ડિજિટલ યુગમાં પણ ઓનલાઇન અરજી કરવાને બદલે કાયદાની પ્રક્રિયાથી ભાગે છે મકાનમાલિકો


ભુજ : ઘણા મકાનમાલિકો અને ફેક્ટરી માલિકો એવા બહાના હેઠળ વેરિફિકેશન કરાવતા નથી કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાં તેમનો સમય બગડે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોની સુવિધા માટે સિટીઝન પોર્ટલ અને વિશેષ મોબાઇલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ ડિજિટલ માધ્યમો દ્વારા કોઈપણ મકાનમાલિક પોતાના ઘરે બેઠા પોતાના ભાડૂઆત કે શ્રમિકના ફોટોગ્રાફ અને ઓળખપત્ર અપલોડ કરીને વેરિફિકેશન માટેની અરજી કરી શકે છે. આમ છતાં, જાગૃતિના અભાવે અથવા કેવળ આળસના કારણે લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી. જો દરેક મકાનમાલિક પોતાના ભાડૂઆતની વિગતો ઓનલાઇન અપલોડ કરવાનું નિયમિત બનાવે તો ગુનેગારોમાં પકડાઈ જવાનો ભય ઊભો થાય અને તેઓ કચ્છ તરફ મોં કરવાનું બંધ કરી દે.


...............

બેદરકાર મકાનમાલિકો અને સંચાલકો સામે પોલીસ હવે લાલ આંખ કરશે?



જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહી : દંડ અને જેલની સજાની જોગવાઈ



ભુજ : જિલ્લા પોલીસ વડા દ્વારા સમયાંતરે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે કે ભાડૂઆત કે શ્રમિકની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવવી એ શિક્ષાપાત્ર અપરાધ છે. જો કોઈ મકાનમાં રહેતો ભાડૂઆત કે ફેક્ટરીમાં કામ કરતો શ્રમિક કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો માલૂમ પડશે અને તેનું વેરિફિકેશન થયેલું નહીં હોય તો આશ્રય આપનાર મકાનમાલિક કે સંચાલક સામે કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. અમદાવાદમાં અભ્યાસ કરતી કચ્છની યુવતી સાથે બનેલી દુષ્કર્મની ઘટના બાદ હવે પરપ્રાંતિય અપરાધીઓ સામે કાયદાએ લાલ આંખ કરી છે. પોલીસ તંત્ર દ્વારા હવે આગામી દિવસોમાં ગાંધીધામ, અંજાર અને મુન્દ્રાના શ્રમિક વિસ્તારોમાં સરપ્રાઇઝ કોમ્બિંગ ડ્રાઇવ યોજીને મકાનોના દસ્તાવેજોની ચકાસણી કરવાનો તખ્તો તૈયાર કરાઈ રહ્યો છે. કાયદાનું પાલન ન કરનારા મકાનમાલિકો સામે પણ દાખલારૂપ કાનૂની પગલાં ભરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.


 

Comments

COMMENT / REPLY FROM