Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં ચાર પ્રકારના આરોગ્યલક્ષી નિઃશુલ્ક કેમ્પ યોજાશે

02 November


ડાયાબિટીસ, મેદસ્વિતા, હરસ-મસા અને ભગંદરની સારવાર સાથે વરિષ્ઠ નાગરિકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાશે

ભુજ - કચ્છ ઉદય : ગાંધીનગરના આયુષ નિયામકની કચેરી અને રાષ્ટ્રીય આયુષ મિશન અંતર્ગત ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે નિઃશુલ્ક નિદાન, સારવાર અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ પદ્ધતિના માધ્યમથી યોજાનારા આ કેમ્પમાં ડાયાબિટીસ, મેદસ્વિતા, હરસ-મસા તથા ભગંદર જેવી બીમારીઓ માટે સારવાર અને સલાહ આપવામાં આવશે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ કરાશે.
કેમ્પમાં ડાયાબિટીસના દર્દીઓ માટે વિનામૂલ્યે લોહીમાં શર્કરાની તપાસ કરવામાં આવશે. ડાયાબિટીસ તેમજ હરસ, મસા અને ભગંદરના દર્દીઓને આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓ દ્વારા સારવાર પૂરી પાડવામાં આવશે. દર્દીઓને દૈનિક જીવનશૈલીમાં જરૂરી ફેરફાર, યોગ્ય આહાર અને વિહાર અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાશે. મેદસ્વિતાની સમસ્યા ધરાવતા લોકોને વજન નિયંત્રણ માટે સારવાર અને સલાહ આપવામાં આવશે.
ખાસ કરીને ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય અને શારીરિક શક્તિ જાળવવામાં મદદરૂપ થાય તેવી ઔષધિઓ પણ આપવામાં આવશે. આ કેમ્પનો લાભ વધુમાં વધુ નાગરિકો લે તેવી સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા અપીલ કરવામાં આવી છે. કેમ્પનું આયોજન તા. ૪ નવેમ્બર, બુધવારના રોજ ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. સવારે ૯થી બપોરે ૧૨ઃ૩૦ અને સાંજે ૪થી ૫ઃ૩૦ વાગ્યા સુધી કેમ્પનો લાભ મેળવી શકાશે. 
------

Comments

COMMENT / REPLY FROM