Trending News
ક્રાઈમ

મુંદરાના નાના કપાયામાં બંધ મકાનમાંથી રૂ. ૧.૭૫ લાખના દાગીનાની ચોરી

02 November



પરિવાર સસરાની અંતિમવિધિમાં ગયો હતો ત્યારે તસ્કરોએ બનાવને અંજામ આપ્યો

ભુજ - કચ્છઉદય : મુંદરા તાલુકાના નાના કપાયા ગામે જીંદાલ ગેટ નંબર ૦૩ ની સામે આવેલ કાંકરીયા વાડીમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રૂ. ૧,૭૫,૬૬૭ ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હોવાની ફરિયાદ મુંદરા પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદી પરિવાર તેમના સસરાના અવસાનને પગલે તેમની અંતિમવિધિ માટે ગામડે ગયો હતો, તે સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મુંદરાના નાના કપાયામાં રહેતા અને કડિયાકામ કરતા રામજીભાઈ દેવાભાઈ સોધમ (મહેશ્વરી) (ઉ.વ. ૪૮) ના સસરાનું ભુજ હોસ્પિટલમાં અવસાન થયું હતું. જેથી ગત તા. ૨૫ થી પરિવારના સભ્યો ક્રમશઃ તેમના સસરાના ગામ નાની ખાખર ખાતે ગયા હતા. છેલ્લે ગત તા. ૨૯ના સવારે સાડા સાત વાગ્યાના અરસામાં તેમનો પુત્ર નિરવ પણ મકાનને તાળું મારીને નાની ખાખર જવા નીકળ્યો હતો અને ત્યારબાદ ઘરે કોઈ હાજર ન હતું. બીજા દિવસે સવારે તેમના પાડોશી સુલતાનભાઈ સુમરા ગાય દોહવા ગયા ત્યારે મકાનની બહાર માટીનો ગુલ્લક તૂટેલી હાલતમાં અને તેમાં રહેલા સિક્કા બહાર પડેલા જોયા હતા. તેમણે તરત જ નિરવને ફોન અને વિડિયો કોલ કરી જાણ કરતાં ઘરના દરવાજા પર મારેલું તાળું જોવા મળ્યું ન હતું. ચોરી થઈ હોવાની આશંકાએ પરિવાર તાત્કાલિક ઘરે દોડી આવ્યો હતો. ઘરમાં અંદર પ્રવેશીને તપાસ કરતા લોખંડના કબાટની ચાવી લઈ ખોલી જોતા તેમાંથી સોના-ચાંદીના દાગીના ગાયબ હોવાનું જણાઈ આવ્યું હતું. તસ્કરોએ કબાટમાંથી સોનાની ફેન્સી કાનસર, ચુડી અને ડીસ્કા, સોનાની વીંટી, એરીંગ, અને ૧૯.૪૬૦ તોલાનું સોનાનું ફેન્સી મંગળસૂત્ર, સોનાની ત્રોટલી, ચાંદીના હડીયા, પટ્ટા અને બંગડીઓની ચોરી કરી હતી. 

 

Comments

COMMENT / REPLY FROM