Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધાઓના વિકાસને નવી દિશા

02 November




૧૯ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ અને ૧૧૧ કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરાયું

ભુજ - કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજ્યવ્યાપી આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં ૧૯ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ અને ૧૧૧ કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત રાજ્યભરમાં પરંપરાગત, ૩ડી મોનોલિથિક તથા એલજીએસએફ બાંધકામ પદ્ધતિથી નિર્માણ પામનાર કુલ ૪,૩૬૨ આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આશરે રૂ. ૭૫૦ કરોડના ખર્ચે આંગણવાડી કેન્દ્રોના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ રાજ્યવ્યાપી કાર્યક્રમના અનુસંધાને કચ્છ જિલ્લામાં પણ આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધાઓના વિકાસને વેગ આપવા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ ૯૯ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જ્યારે નવનિર્મિત ૧૯ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જીએસપીસી દ્વારા સીએસઆર અંતર્ગત રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ પામનાર વધુ ૧૨ આંગણવાડી કેન્દ્રોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને વિકાસને નવી દિશા મળશે.
રાજ્યકક્ષાએ યોજાયેલા આ કાર્યક્રમના અનુસંધાને કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, લાભાર્થીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીગણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. વિવિધ તાલુકાઓમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં સૌએ ઉમંગભેર જોડાઈ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આ અવસરમાં સહભાગી બની આ પહેલને આવકારી હતી.
આંગણવાડી કેન્દ્રો એ બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પાયાનું કેન્દ્ર છે. આ કેન્દ્રોની માળખાકીય સુવિધાઓમાં વધારો થવાથી આંગણવાડીમાં આવતા ભૂલકાંઓને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ મળી રહેશે. સાથે જ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી પોષણ, આરોગ્ય અને શિક્ષણલક્ષી સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ બનશે. આમ કચ્છ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોના નવા બાંધકામ અને આધુનિક સુવિધાઓના વિકાસ થકી બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ લેવામાં આવ્યું છે. 
-------

Comments

COMMENT / REPLY FROM