Trending News
સ્થાનિક સમાચાર

છત્તીસગઢની બેંક ઓફ બરોડા શાખામાં આચરવામાં  આવેલા કૌભાંડના તાર કચ્છ સુધી લંબાયા

01 November




કચ્છના ગઢસીસા બેંક મેનેજર સંડોવાયેલા રૂ. પાંચ કરોડના ચકચારી લોન કૌભાંડમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ : ગઢસીસા શાખામાં ફરજ બજાવતા તત્કાલીન બ્રાન્ચ મેનેજર સામે વિશેષ કોર્ટમાં કાર્યવાહી

ભુજ - કચ્છઉદય : છત્તીસગઢના બિલાસપુર ખાતે આવેલા બેંક ઓફ બરોડાની રાજકિશોર નગર શાખામાં આચરવામાં આવેલા અંદાજે રૂપિયા પાંચ કરોડથી વધુના ચકચારી અને નકલી લોન કૌભાંડમાં રાજ્યના આર્થિક અપરાધ અન્વેષણ બ્યુરો દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં લાંબી તપાસ બાદ વિશેષ ભ્રષ્ટાચાર નિવારણ અદાલત સમક્ષ સત્તાવાર રીતે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક તત્કાલીન વરિષ્ઠ શાખા પ્રબંધક કચ્છ જિલ્લાની ગઢસીસા શાખામાં ફરજ બજાવતા હોવાથી સરહદી જિલ્લા સુધી તપાસના તાર લંબાયા છે. આ સમગ્ર બનાવની વિગતો મુજબ, બિલાસપુર સ્થિત ઉડાન માઈક્રો ફાઈનાન્સના સંચાલક વિશ્વજીત ભૌમિક નામના શખ્સે સામાન્ય નાગરિકોને નાના ધિરાણ અપાવવાની લાલચ આપીને તેમની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, કેવાયસીના દસ્તાવેજો, પ્રોપર્ટીના અસલ કાગળો અને સહી કરેલા કોરા ચેક મેળવી લીધા હતા. આ એકત્રિત કરવામાં આવેલા દસ્તાવેજોનો દુરુપયોગ કરીને ભૌમિકે સામાન્ય લોકોની જાણ બહાર ખોટી અને નકલી ફર્મો ઊભી કરી દીધી હતી. એટલું જ નહીં, કેટલીક ફર્મોમાં તો પોતાના જ કર્મચારીઓને પ્રોપાઈટર તરીકે દર્શાવી દીધા હતા અને પોતાના જ કાર્યાલયમાં ત્રણ જેટલા નકલી રજીસ્ટ્રેશન પ્રમાણપત્રો પણ તૈયાર કરાવી લીધા હતા.આ કૌભાંડમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તારીખ ૨૦ માર્ચ ૨૦૧૮ થી ૩ મે ૨૦૧૯ ના સમયગાળા દરમિયાન બેંકના નિયમો અને પરિપત્રોને નેવે મૂકીને બેંક ઓફ બરોડાના તત્કાલીન વરિષ્ઠ શાખા પ્રબંધક રાહુલ કુમાર સિન્હા દ્વારા આ અપાત્ર અને નકલી ફર્મોને કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ, બેંક ગેરંટી અને ટર્મ લોન જેવી નાણાકીય સહાયો મંજૂર કરી દેવામાં આવી હતી. બેંકના આ અધિકારીએ ધિરાણ લેનાર વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન ધરાવતા અન્ય લોકોની સંપત્તિઓને ગિરવે રાખી દીધી હતી અને લોન મંજૂર કરતા પહેલા સ્થળ તપાસના અહેવાલોમાં ખોટી વિગતો દર્શાવી હતી. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ નકલી ફર્મો પૈકી એક ફર્મનું સરનામું ખુદ મુખ્ય આરોપી વિશ્વજીત ભૌમિકનું ઘર જ નીકળ્યું હતું.
આ કૌભાંડ હેઠળ મેળવવામાં આવેલી લોનની રકમનો ઉપયોગ કોઈ પણ પ્રકારના વાસ્તવિક ધંધાકીય કાર્યો માટે કરવામાં આવ્યો ન હતો. આ તમામ નાણાં અલગ-અલગ ખાતાઓમાં ફેરવીને અંતે કૌભાંડી વિશ્વજીત ભૌમિક સુધી પહોંચાડવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમના માધ્યમથી આ રકમ ભૌમિકની પોતાની માલિકીની ફર્મ સુધી પહોંચાડવામાં આવી હતી અને બનાવટી બિલો રજૂ કરીને ત્યાંથી પણ નાણાકીય ચુકવણીઓ મેળવી લેવામાં આવી હતી. આ પ્રકારે બેંકના નાણાંની ગેરરીતિ કરવાથી અને લોનની પરત ચુકવણી ન થવાથી બેંક ઓફ બરોડાને કુલ રૂપિયા પાંચ કરોડ ચાર લાખ પંદર હજાર રૂપિયાનું જંગી આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બેંક ઓફ બરોડાના રાયપુર ક્ષેત્રીય કાર્યાલય દ્વારા કરવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની લાંબી તપાસ બાદ હવે ઈઓડબ્લ્યુ દ્વારા આ કેસમાં કાયદેસરની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ કેસમાં વિશ્વજીત ભૌમિક ઉપરાંત કચ્છ જિલ્લાની ગઢસીસા શાખામાં ફરજ બજાવતા બેંકના તત્કાલીન વરિષ્ઠ શાખા પ્રબંધક રાહુલ કુમાર સિન્હા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૨ અને ૧૩(૨) અંતર્ગત સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લાના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા બેંક અધિકારીની આ ગંભીર પ્રકરણમાં સંડોવણી બહાર આવતા સમગ્ર બેંકિંગ અને સહકારી ક્ષેત્રમાં ભારે હડકંપ મચી ગયો છે.

.......

Comments

COMMENT / REPLY FROM