પૂર્વ કચ્છમાં SMC નો વધુ એક સપાટો! પડાણા નજીક મીની- પંજાબ હોટલ પાસે ચોરખાનાવાળું દારૂ ભરેલું ડમ્પર ઝડપાયું
ડમ્પરના ઠાઠામાં ખાસ ચોરખાનું બનાવી ૮ PM બ્રાન્ડની દારૂની પેટીઓ છુપાવાઈ હતી : ૧૦૦થી વધુ પેટી હોવાનો અંદાજ, ડ્રાઇવરની પણ ધરપકડ : સ્ટેટ મોનીટરીંગ સેલના સફળ દરોડાથી સ્થાનિક અમુક ભ્રષ્ટ તત્વોમાં ફેલાયો ફફડાટ
ખાટલે મોટી ખોટ : આડેસરમાં લાખોના એસએમસીના દારૂના દરોડા બાદ પૂર્વ કચ્છ પોલીસમાં કરાયા હતા ધરખમ ફેરફારો : એલસીબી-એસઓજી ઉપરાંત આડેસરમાં પણ પોલીસને વેરવિખેર કરી દીધા હતા, તેમ છતા પણ ફરીથી ગાંધીધામ બી ડીવીઝન જેવા વિસ્તારમાથી ફરીથી એસએમસી ત્રાટકી ગઈ, તેની પાછળનુ રહસ્ય શું? એસપીશ્રીની કડકાઈ-લાલઆંખ ભરી કાર્યવાહી પર કોણ ફેરવી રહ્યુ છે પાણી
ગાંધીધામ : કચ્છ જિલ્લામાં બુટલેગરો અને વિદેશી દારૂના ગેરકાયદે કારોબાર સામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે લાલ આંખ કરી વધુ એક મોટી સફળ કાર્યવાહી પાર પાડી છે. ગાંધીધામ નજીક પડાણા પાટિયા પાસે આવેલી મીની પંજાબ હોટલ નજીકથી SMC ની ટીમે બાતમીના આધારે દારૂ ભરેલું એક શંકાસ્પદ ડમ્પર ઝડપી પાડીને દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ, બુટલેગરો દ્વારા પોલીસ અને કાયદાની નજરથી બચવા માટે કીમિયો અપનાવવામાં આવ્યો હતો. ડમ્પરના પાછળના ઠાઠાના ભાગમાં ખાસ ગુપ્ત ચોરખાનું તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. SMC ની ટીમે આ ડમ્પરને આંતરીને ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાંથી ‘૮ PM’ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૦૦થી વધુ પેટીઓ મળી આવી હોવાનો અંદાજ છે. દારૂના આ મોટા જથ્થા સાથે પોલીસે ડમ્પરના ડ્રાઇવરની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે.ઉલ્લેખનીય છે કે, હજુ તાજેતરમાં જ ૧૫મી તારીખના રોજ SMC ની ટીમે સરહદી વિસ્તાર આડેસર નજીક ધાક પાડીને રૂ. ૬૦ લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનાના ટૂંક જ સમયમાં પડાણા નજીકથી ચોરખાનાવાળા ડમ્પરમાંથી દારૂનો મોટો જથ્થો પકડાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે, જ્યારે SMC ની સતત કાર્યવાહીથી દારૂના કારોબારીઓમાં ભારે ફાળ પડી છે.ડમ્પરના ગુપ્ત ચોરખાનામાંછુપાવીને લાવવામાં આવેલો આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને કચ્છમાં કોને સપ્લાય કરવાનો હતો? આ રેકેટ પાછળ કયા મોટા બુટલેગરો અને નેટવર્કના તાર જોડાયેલા છે, તે દિશામાં SMC ની ટીમે ડ્રાઇવરની સઘન પૂછપરછ હાથ ધરીને આગળની કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
...........
’ખાખી’ના આંતરિક બેડામાં ચર્ચાની એરણે!
બી ડીવી.માંથી એલસીબીમાં જવાના સપના કયા વહીવટદારના રોડાયા?હવે એલસીબી તો ઠીક, નોકરી પર જ આવી ગયું છે મોટું જોખમ..!
ગાંધીધામ - કચ્છઉદય : એસઅમેસીએ પડાણામાં સફળ દરોડો પાડયા બાદ હવે તરેહ તરેહની ચર્ચાઓ પણ તેજ બની છે. ગાંધીધામ પૂર્વ કચ્છના ચર્ચાસ્પદ ‘બી ડિવિઝન’ પોલીસ સ્ટેશનના એક વહીવટદાર સાહેબ લાંબા સમયથી ક્રાઈમ બ્રાંચ ની પ્રતિષ્ઠિત ખુરશી પર ગોઠવાવા માટે સેટિંગ અને ભારે ફિલ્ડિંગ ભરી રહ્યા હતા. પરંતુ તાજેતરના કડાકા-ભડાકા અને એજન્સીઓની આક્રમક કાર્યવાહી બાદ વહીવટદારના તમામ સપના રોળાઈ ગયા હોવાની જોરશોરથી ચર્ચા છે.એલસીબી નો મેળ તો હવે નહી જ પડે, પરંતુ હવે તો જે મૂળ જગ્યા (પોસ્ટિંગ) છે ત્યાં પણ પગ નીચેથી જમીન ખસી ગઈ છે. કાગળો અને હિસાબોના ખેલમાં નામ ઊછળતાં હવે ‘LCB તો ઠીક, પણ ખાખી વર્ધી અને નોકરી બચે તોય ઘણું’ તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનુ આ બની બેઠેલ વહીવટદાર માટે ચર્ચાવવા પામી રહ્યુ છે. વહીવટદાર સાહેબની આ હાલત જોઈને અન્ય લાઈનદારો અને વહીવટદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
...........
આ અગ્નિપરીક્ષામાં SMC ની રેડ બાદ ઊભા થતા તીખા સવાલો
*ચોરખાનાનું નેટવર્કઃ ડમ્પરના ઠાઠામાં ખાસ ચોરખાનું બનાવી દારૂ ઘૂસાડવાનું માસ્ટરમાઇન્ડ કોણ છે? *સ્થાનિક પોલીસ ઊંઘતી રહી?ઃ પડાણા અને આસપાસના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ ભરેલું ડમ્પર ફરી રહ્યું હતું ત્યારે સ્થાનિક પોલીસને કેમ કોઈ ગંધ ન આવી? *બુટલેગરોના મોડસ ઓપરેન્ડીઃ આડેસરમાં ૬૦ લાખનો દારૂ અને હવે પડાણામાં ૧૦૦થી વધુ પેટીઓ! શું કચ્છને બુટલેગરોએ સેફ હેવન બનાવી લીધું છે? *મૂળ માલિક કોણ?ઃ ઝડપાયેલો ડ્રાઇવર તો માત્ર મોહરૂં છે, પણ આ કરોડોના દારૂનું નેટવર્ક ચલાવતા આકાઓ સુધી જીસ્ઝ્ર ના હાથ પહોંચશે કે કેમ? *ક્યાં સપ્લાય થવાનો હતો દારૂ?ઃ ૮ઁસ્ બ્રાન્ડનો આટલો મોટો જથ્થો ગાંધીધામ કે કંડલાના કયા મોટા બુટલેગર પાસે
પહોંચાડવાનો હતો?
...........
સ્થાનિકે કોની દિવાળી બગડશે? કોના કોના ચડશે તપેલા? ચર્ચાઓ તેજ
આડેસર SMC ના કડાકા-ભડાકા સમ્યા નથી ત્યાં પડાણામાં હવે એસએમસી ત્રાટકી..!
ગાંધીધામ : કચ્છ જિલ્લામાં વિદેશી દારૂના ગેરકાયદે કારોબાર અને બુટલેગરોની સિન્ડિકેટ સામે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ SMC એ આક્રમક વલણ અપનાવતાં સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. હજુ તાજેતરમાં જ સરહદી વિસ્તાર આડેસરમાં SMC ની ટીમે ત્રાટકીને રૂ. ૬૦ લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી જે કડાકા-ભડાકા કર્યા હતા, તેના પડઘા શમ્યા નથી ત્યાં જ પડાણા નજીક આવેલી ‘મીની પંજાબ હોટલ’ પાસે દારૂ ભરેલા ડમ્પર પર SMC એ ત્રાટકીને વધુ એક મોટો પર્દાફાશ કર્યો છે.રાજ્યકક્ષાની એજન્સી દ્વારા પૂર્વ કચ્છના ઔદ્યોગિક અને હાઈવે બેલ્ટ પર એકપછી એક સપાટો બોલાવવામાં આવતાં હવે સ્થાનિક પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. દારૂનું આટલું મોટું નેટવર્ક અને ચોરખાનાવાળા વાહનો સ્થાનિક પોલીસની નજર સામેથી પસાર થઈ જાય અને SMC ને ગંધ આવી જાય તે બાબત જ સ્થાનિક ખાખી વર્ધી માટે ભારે નામોશીજનક સાબિત થઈ રહી છે.આડેસર બાદ હવે પડાણામાં SMC નો સપાટો બોલાતા જ ‘ખાખી’ વર્તુળો અને સ્થાનિક બુટલેગરોમાં ભારે ધ્રુજારી જોવા મળી રહી છે.દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ SMC એ દારૂના મોટા જથ્થા કબ્જે કરતા અનેક મોટા બુટલેગરોની ‘દિવાળી બગડી’ ગઈ છે.ગાંધીનગરથી સીધી થયેલી આ કાર્યવાહી બાદ હવે સ્થાનિક બીટ ઈન્ચાર્જ, સેઝ-લાઈન અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે શિસ્તભંગના કડક પગલાં લેવાય તેવી પૂરતી શક્યતાઓ વર્તાઈ રહી છે. કયા અધિકારીઓ કે કર્મચારીઓના ‘તપેલા ચડશે’ તે અંગે ખાખી વર્તુળોમાં અંદરોઅંદર ભારે ચર્ચા જાગી છે.
.........

Comments