વરસાદના અભાવે કચ્છમાં મગફળીના ઉત્પાદનમાં અડધોઅડધ ઘટાડો
ગત વર્ષે ૩.૦૮ લાખ ટન મગફળીનું થયું હતું ઉત્પાદન : આ વર્ષે ઉત્પાદન ઘટીને ૧.૧૧ લાખ ટન રહે તેવી શકયતા : રાજયવ્યાપી સર્વેના આંકડા સામે આવતા તેલ બજારમાં ચિંતા
ભુજ - કચ્છઉદય : ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં મગફળીના વાવેતર અને ઉત્પાદનને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. તેલ ઉદ્યોગની અગ્રણી સંસ્થા સોલવન્ટ એક્સટ્રેક્શન એસોસિયેશન ઑફ ઇન્ડિયા દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ અનુસાર, વર્ષ ૨૦૨૬-૨૭માં કચ્છમાં મગફળીનું ઉત્પાદન ૩.૦૯ લાખ ટનથી ઘટીને માત્ર ૧.૧૧ લાખ ટન રહેવાની શક્યતા છે.
સર્વેક્ષણના આંકડા મુજબ, ગત વર્ષે કચ્છમાં ૧.૩૦ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું, જે ચાલુ વર્ષે ઘટીને ૦.૬૪ લાખ હેક્ટર રહેવાનો અંદાજ છે. ખેતી માટે ચોમાસાની અનિશ્ચિતતા, અસમાન વરસાદ અને જમીનમાં ભેજની અછતને કારણે ખેડૂતોની પસંદગી પર અસર પડી હોવાનું મનાય છે. વાવેતરના ઘટાડાની સામે ઉત્પાદનમાં ૬૪ ટકાનો મોટો ઘટાડો અંદાજવામાં આવ્યો છે. ગત વર્ષે (૨૦૨૫-૨૬) જિલ્લામાં ૩.૦૯ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું, જેની સામે આ વર્ષે માત્ર ૧.૧૧ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. એટલે કે, કુલ ૧.૯૭ લાખ ટન ઉત્પાદન ઘટી શકે છે.
આ તફાવત સ્પષ્ટ કરે છે કે માત્ર વાવેતર જ નહીં, પરંતુ પ્રતિ હેક્ટર ઉપજમાં પણ મોટો ફટકો પડ્યો છે. છોડના વિકાસ, ફૂલ આવવા કે શીંગો બેસવાના સમયે વરસાદ ખેંચાવાથી આ નુકસાન થયું હોવાની શક્યતા છે. મગફળી એ કચ્છના ખેડૂતો માટે મહત્ત્વનો રોકડિયો પાક છે. બિયારણ, ખાતર, દવા અને મજૂરીના સતત વધતા ખર્ચ વચ્ચે જો ઉપજ ઘટે તો ખેડૂતોનું નફાકારકતાનું ગણિત ખોરવાઈ જશે. બીજી તરફ, ઉત્પાદન ઘટવાથી સ્થાનિક કૃષિ બજારોમાં મગફળીની આવક ઘટશે, જેની સીધી અસર તેલ મિલો, ખરીદદાર સંસ્થાઓ અને સમગ્ર પુરવઠા વ્યવસ્થા પર પડશે. જોકે, બજારભાવ વધશે કે કેમ તેનો આધાર સ્થાનિક ઉત્પાદન ઉપરાંત દેશભરની આવક અને આયાત-નિકાસ પર નિર્ભર રહેશે. એસોસિયેશનના આ આંકડા પ્રાથમિક સર્વેક્ષણ પર આધારિત છે અને અંતિમ ચિત્ર સત્તાવાર મૂલ્યાંકન બાદ સ્પષ્ટ થશે. જોકે, આ સંભવિત નુકસાનને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક તાલુકા અને ગામવાર સર્વે કરવામાં આવે તે સમયની માંગ છે. જો વાસ્તવિક નુકસાન વધુ હોય તો અસરગ્રસ્ત ખેડૂતોને પાક વીમા અને સરકારી સહાયની પ્રક્રિયા ઝડપી બને તેમજ આગામી વાવણી માટે યોગ્ય માર્ગદર્શન મળે તે અત્યંત જરૂરી છે.

Comments