કાગળ પર સફાઈ-રિપેરિંગ અને બિલ ચૂકવાયા, વાસ્તવમાં ગાગોદર કેનાલ બાવળોની ઝાડીઓમાં ગાયબ !
નર્મદા જળ આવામાં કયાં છેવાડાના કચ્છમાં પહોચે? નામ બડે ઓર દર્શન ખોટે?
કાનમેર, પ્લાસવા, મોમાયમોરા સહિતની ડિસ્ટ્રીબ્યુટરી અને પાઇપલાઇનો તૂટેલીઃ રાપરના ખેડૂતો ડીઝલ એન્જિન અને બકનળીથી પાણી ખેંચવા મજબૂર
ગાંધીધામ : રાપર અને વાગડ વિસ્તારમાં સિંચાઈનું પાણી પૂરું પાડવાના દાવાઓ વચ્ચે કડવી વાસ્તવિકતા સામે આવી છે. ગાગોદર બ્રાન્ચ કેનાલ તેમજ તેની સાથે જોડાયેલી સબ-કેનાલોની અત્યંત બિસ્માર હાલતને કારણે ખેડૂતોને કડવા અનુભવો થઈ રહ્યા છે. કેનાલોમાં સફાઈ કે રિપેરિંગનું કામ કર્યા વગર જ કાગળ પર કામ દર્શાવી સરકારી ચોપડે લાખો રૂપિયાના બિલો મંજૂર થઈ ગયા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
..................
જાગૃત ધારાસભ્યની સતત ચિંતા છતાં કેનાલ-પાણી-ખેડુતોની આવી અવદશા કેમ?
ગાંધીધામ : રાપર વિસ્તારના જાગૃત ધારાસભ્યશ્રી ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળે તે માટે સદા ચિંતીત રહે છે અને સતત રજૂઆતો કરતા રહે છે. આમ છતાં, કેનાલોની આવી કથળેલી હાલત અને ખેડૂતોની અવદશાથી સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ અજાણ હોય તેવું તો બને નહીં. ખેડૂતો આક્રોશપૂર્વક માગ કરી રહ્યા છે કે કાગળ પર બિલો બનાવી જનારા ભ્રષ્ટ તત્વો સામે તપાસ થાય અને તાત્કાલિક ધોરણે કેનાલોની સફાઈ, રિપેરિંગ અને સણવા પાસે એસ્કેપ મુકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તે ખુબજ જરૂરી બની રહ્યુ છે તેવી લોકમાંગ કરવામા આવી રહી છે.
.....................
ડિસ્ટ્રીબ્યુટરી નેટવર્ક ધ્વસ્ત : પાણી ખેડૂતો સુધી પહોંચતું જ નથી
ગાંધીધામ : મોમાયમોરા ડિસ્ટ્રીબ્યુટરી, સણવા, સુખપર, આડેસર, પ્લાસવા અને કાનમેર ડિસ્ટ્રીબ્યુટરી સહિતની તમામ માઇનર, સબ-માઇનર કેનાલો તેમજ પાઇપલાઇનો ઠેર-ઠેરથી તૂટીને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે. છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું જ નથી. પરિણામે, મજબૂર બનેલા ખેડૂતોને પોતાના સ્વ-ખર્ચે ડીઝલ એન્જિન અને બકનળી (સાયફન) મૂકીને પાણી ખેંચવું પડી રહ્યું છે, જેનાથી ખેતીનો ખર્ચ બમણો થઈ રહ્યો છે.
.................
બાવળોનું સામ્રાજ્ય અને વાલ્વમેન ગાયબ
ગાંધીધામ : ગાગોદર બ્રાન્ચ કેનાલ પર સફાઈના અભાવે કેનાલની અંદર અને બાજુના રસ્તાઓ પર ગાંડા બાવળો તેમજ ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ ઉપરાંત કેનાલના એકપણ ગેટ પર વાલ્વમેન હાજર રહેતા ન હોવાથી પાણીના નિયંત્રણ અને સંચાલનનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. સરકારી ચોપડે સફાઈ અને નિભાવણીના બિલો નિયમિત બની જાય છે, પરંતુ ધાતળ પર કોઈ કામગીરી થઈ નથી.
....................
સણવા પાસે દર વર્ષે કેનાલ ગાબડુંઃ એસ્કેપ મુકવામાં તંત્રનું આળસ
ગાંધીધામ : સણવા ગામ પાસે દર વર્ષે ચોમાસામાં ભરાતા પાણીના કારણે કેનાલ તૂટી જવાની ઘટનાઓ
પુનરાવર્તિત થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ત્યાં ’એસ્કેપ’ મુકવા અંગે સ્થાનિકો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, સિંચાઈ વિભાગના બેદરકાર અધિકારીઓ કૂંભકર્ણની નિંદ્રામાંથી જાગતા નથી, જેના કારણે દર વર્ષે ખેડૂતોના પાકને અને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે.

Comments