સોશિયલ મીડિયા પર ઈષ્ટદેવો વિશે અભદ્ર ટિપ્પણી કરી વૈમનસ્ય ફેલાવનાર બે સામે ગુનો
બનાવ અંગે અંજાર પોલીસે આગળની તપાસ હાથ ધરી
અંજારઃ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે સમાજની લાગણી દુભાય તેવી કોમેન્ટ કરવા અને ફોન પર સમાજ તથા ઈષ્ટદેવો વિશે અપશબ્દો ઉચ્ચારી તેનું કોલ રેકોર્ડિંગ વાયરલ કરી બે કોમો તથા સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કરવા અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે.
ફરિયાદી ગોપાલભાઈ વેલજીભાઈ સોંદરા (ઉ.વ. ૪૫, રહે. રૂમ નં. ૩૩૩૦, સેક્ટર-૬, ગણેશ નગર, ગાંધીધામ) દ્વારા નોંધાવવામાં આવેલી વિગતો મુજબ, તેઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા હોવાથી આરોપીઓ રામજી મારૂ (રહે. રચના પાર્ક, મેઘપર-કુંભારડી) અને માવજી જેપાર દ્વારા સમાજની લાગણી દુભાય તેવી કોમેન્ટો કરવામાં આવતી હતી. આ બાબતે ફરિયાદીએ આરોપીઓને ફોન કરતા તેમણે ફોન પર સમાજ તથા ઈષ્ટદેવો વિશે લાગણી દુભાય તેવા અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને તે વાતચીતનું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું. ત્યારબાદ સમાજના આગેવાનો આ મામલે સમજાવટ કરવા આરોપી રામજી મારૂના ઘરે ગયા ત્યારે તેણે ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અંજાર પોલીસે રામજી મારૂ અને માવજી જેપાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી) ની કલમ ૩૦૨, ૨૯૯, ૩૫૧(૨), ૫૪ મુજબ ગુનો નોંધી હાલ તપાસ હાથ ધરી છે.

Comments