કચ્છમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશના દાવાઓ વચ્ચે ગ્રાઉન્ડ રિયાલિટી ચિંતાજનક
સિંગલ યુઝ પ્લાસ્ટિકના બેફામ વપરાશથી શહેરોની ડમ્પિંગ સાઈટો ઉભરાઈ અને અબોલ પશુધનના આરોગ્ય સામે મોટો ખતરો : શાકબાજી તેમજ નાની રેકડી - દુકાનદાર પકડવામાં આવે તો છે તે બનાવનાર પ્લાસ્ટિક કંપની ઉપર અંકુશ કેટલો..? વેચનારને પકડવામાં આવે છે તેના કરતા બનાવનાર ઉપર અંકુશ જરૂરી
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના મુખ્ય શહેરી વિસ્તારોથી લઈને ગ્રામીણ બજારો સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ઝભલા થેલીઓ પર કાગળ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી જેવા શહેરોના શાક માર્કેટો, કરિયાણાની દુકાનો અને લારી-ગલ્લાઓ પર આજે પણ કાળા અને પાતળા પ્લાસ્ટિકનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ઉત્પાદકો અને મોટા વિક્રેતાઓ સામે કાયમી પગલાં લેવાના બદલે માત્ર સ્થાનિક તંત્ર દ્વારા ક્યારેક નામના દંડકીય નાટક કરીને સંતોષ માની લેવાય છે. પરિણામે દરરોજ ટનબંધ બિન-રીસાઈકલ પ્લાસ્ટિકનો કચરો ગલીઓ, ખુલ્લા પ્લોટો અને નગરપાલિકાઓની ડમ્પિંગ સાઈટો પર એકત્ર થઈ રહ્યો છે જે સમગ્ર પર્યાવરણ માટે એક ગંભીર દૂષણ બની ગયું છે.
આ અણધડ પ્લાસ્ટિક કચરાની સૌથી ભયાનક અને કરુણ અસર કચ્છના રખડતા પશુધન પર પડી રહી છે. બજારોમાં અને કચરાના ઢગલાઓ પર રખડતી ગાયો અને અન્ય અબોલ પશુઓ ખોરાકની શોધમાં પ્લાસ્ટિકની થેલીઓમાં બાંધેલો એઠવાડ અને પ્લાસ્ટિક ખાઈ જાય છે. પશુઓના પેટમાં આ પ્લાસ્ટિક જમા થઈ જતાં તેમના આંતરડા બ્લોક થઈ જાય છે અને અત્યંત પીડાદાયક રીતે અબોલ જીવો મોતને ભેટે છે. અગાઉ પશુચિકિત્સકો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનોમાં ગાયોના પેટમાંથી કિલોગ્રામના હિસાબે પ્લાસ્ટિકનો જથ્થો નીકળવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
પ્લાસ્ટિક સળગાવવાથી વાતાવરણમાં કેન્સરજનક ડાયોક્સિન ઝેરી વાયુ ભળે છે અને જમીનમાં દાટવાથી જમીનની પાણી શોષવાની ક્ષમતા નષ્ટ થાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બેદરકારીના કારણે કચ્છનું પર્યાવરણ અને પશુધન કાયમી ધોરણે જોખમમાં મુકાઈ રહ્યા છે.
......................
સગલ યુઝ પ્લાસ્ટિકના સ્ત્રોત પર જ કડક સીલ મારવાની જરૂર
ભુજ : પર્યાવરણપ્રેમીઓની સ્પષ્ટ માગણી છે કે માત્ર નાના ફેરિયાઓ કે ગ્રાહકોને દંડવાને બદલે પ્લાસ્ટિકનો જથ્થાબંધ માલ સપ્લાય કરતા વેપારીઓ અને ગેરકાયદે ઉત્પાદન કરતા એકમો પર સીધા દરોડા પાડવામાં આવે. શહેરોમાં જૈવિક કચરા અને પ્લાસ્ટિક કચરાનું યોગ્ય પૃથક્કરણ કરીને સખત કાયદાકીય કલમો હેઠળ ગુના નોંધવામાં આવે તો જ આ દૂષણ અટકશે.

Comments