દિવાળી પૂર્વે અંજાર-ભુજ પટ્ટામાં આઈટીની દિલ્હીની ટીમના ધામા
ખેતીવાડી ક્ષેત્રની અમુક પેઢીઓ ઝપેટમાં ચડયાની ચર્ચા
વહેલી પરોઢથી આઠથી દસ ગાડીઓમાં અધિકારીઓની અલગ અલગ ટીમોનો કાફલો ઉતરી પડતા અમુક કરચોરોમાં ફફડાટ : એગ્રો સબંધિત પેઢીઓમાં સર્ચ-સર્વેના વેરીફીકેશનનો ધમધમાટ : રાજકોટ સહિત સ્થાનિકનો સ્ટાફ પણ મદદમાં જોડાયો
ગાધીધામ : ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા વેપારીઓ અને શંકાસ્પદ પેઢીઓ પર સર્ચ અને સર્વેની કાર્યવાહી અવારનવાર થતી જ રહેતી હોય છે. થોડા સમય અગાઉ જ ગાંધીધામમાં ૮૦૦ કરોડથી વધુના ફ્રોડ મામલે આઈટીની મોટી ટીમો ત્રાટકી હતી અને તેની તપાસ હજુ ચાલી જ રહી છે, ત્યાં જ દિવાળીના સવાયા તહેવારો પૂર્વે જ વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
આજ રોજ વહેલી સવારથી જ દિલ્હી ઈન્કમટેક્સ વિભાગની વિશેષ ટુકડીએ ભુજ-અંજાર પટ્ટામાં ધામા નાખીને સર્વે અને સર્ચની કાર્યવાહી હાથ ધરી હોવાની જોરશોરથી ચર્ચા ફેલાઈ છે. અંદાજે આઠથી દસ ગાડીઓના કાફલા સાથે આ કેન્દ્રીય ટીમ ભુજ અને અંજાર આસપાસના વિસ્તારોમાં મેદાનમાં ઉતરી હોવાનું જાણવા મળે છે.
સુત્રો મારફતે મળતી વીગતો અનુસાર બજારમાં ફેલાયેલી વિગતો મુજબ, દિલ્હીથી આવેલી આ ટીમે મુખ્યત્વે ખેતી વિષયક વ્યવહારો સાથે સંકળાયેલી કેટલીક પેઢીઓ પર સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરી છે. આ સમગ્ર મામલે હજુ સુધી આવકવેરા વિભાગ તરફથી કોઈ સત્તાવાર વિગતો કે સમર્થન બહાર આવ્યું નથી, તેમ છતાં દિવાળીના પાવન અવસર ટાંકણે જ આઈટી વિભાગની દિલ્હીની ટીમો કચ્છમાં ઉતરી જતાં ટેક્સ ચોરી કરતા તત્વો અને શંકાસ્પદ વેપારી આલમમાં ભારે આંતરિક ફફડાટ અને દોડધામ મચી જવા પામી છે.

Comments