Trending News
સ્થાનિક સમાચાર

દિવાળીમાં વતન જવા એસ.ટી.ની વધારાની બસો દોડશે

21 October





૧થી ૭ નવેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા : આખી બસનું બુકિંગ કરાવનારને ઘરઆંગણેથી બસની સુવિધા

ભુજ - કચ્છ ઉદય : દિવાળીના તહેવારોમાં કચ્છના નાગરિકો પોતાના વતન સુધી સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભુજ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧થી ૭ નવેમ્બર દરમિયાન ભુજ વિભાગના વિવિધ ડેપો દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ સહિતનાં વિસ્તારોને જોડતી વધારાની બસો દોડાવવામાં આવશે.
તહેવારોમાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરાઈ છે. લાંબા અંતરની વધારાની બસો શરૂ થવાથી કચ્છમાં રહેતા તેમજ બહારના વિસ્તારોમાં વસતા લોકોને પોતાના વતન જવા માટે વધુ બસોનો લાભ મળશે.
મુસાફરો બસ મથક ઉપરાંત નિગમના નિયુક્ત બુકિંગ એજન્ટો, સત્તાવાર મોબાઇલ કાર્યક્રમ અને નિગમની વેબસાઇટ પરથી પણ ટિકિટ બુક કરાવી શકશે. આખી બસનું સામૂહિક બુકિંગ કરાવનાર મુસાફરો માટે ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ જણાવેલા સ્થળેથી મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. નિયમિત અને વધારાની બસોના સંચાલન અંગેની વધુ માહિતી સંબંધિત ડેપોના વ્યવસ્થાપક પાસેથી મેળવી શકાશે.
-----

માતાનામઢ માટે ૧૯૫ વધારાની બસો મારફતે એસ.ટી. વિભાગને રૂ.૧.૧૫ કરોડની આવક


૨૨૬૬ ફેરામાં ૭૭ હજારથી વધુ યાત્રાળુઓએ મુસાફરીનો લાભ લીધો : ગત વર્ષ કરતાં ૧૫૨ ફેરા વધ્યા

ભુજ - કચ્છ ઉદય : નવરાત્રિ દરમિયાન માતાનામઢ ખાતે બિરાજમાન મા આશાપુરાનાં દર્શન માટે કચ્છ સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. યાત્રાળુઓને સરળતાથી અવરજવર કરવાની સુવિધા મળી રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભુજ વિભાગ દ્વારા વિશેષ બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વર્ષે કુલ ૧૯૫ વધારાની બસોના સંચાલનથી વિભાગને રૂ.૧.૧૫ કરોડથી વધુની આવક થઈ હતી.
જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં ભુજ એસ.ટી. વિભાગે અગાઉથી આયોજન કરીને યાત્રાળુઓની અવરજવર માટે પૂરતી વ્યવસ્થા કરી હતી. ગત વર્ષ કરતાં આ વખતે ૩૦ બસો વધારવામાં આવી હતી. સમગ્ર વ્યવસ્થાના નિરીક્ષણ અને સંચાલન માટે ૩૦ અધિકારીઓ તથા નિરીક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી.
વિભાગ દ્વારા કુલ ૧૯૫ બસોના માધ્યમથી ૨૨૬૬ ફેરા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ૨,૨૭,૫૬૫ કિલોમીટરનું વધારાનું સંચાલન થયું હતું અને રૂ.૧,૧૫,૪૭,૭૪૭ની આવક નોંધાઈ હતી. આ વ્યવસ્થાનો ૭૭,૬૪૫ યાત્રાળુઓએ લાભ લીધો હતો. ગત વર્ષની સરખામણીએ આ વખતે ૧૫૨ ફેરા વધુ થયા હતા અને ૫૭૯૯ મુસાફરોનો વધારો નોંધાયો હતો. સાથે જ ૧૮,૦૨૯ કિલોમીટર વધુ બસો દોડાવાઈ હતી અને આવકમાં રૂ.૧૭,૫૭,૨૩૮નો વધારો થયો હતો. આ સિદ્ધિ ભુજ એસ.ટી. વિભાગના આયોજનબદ્ધ સંચાલનને આભારી હોવાનું વિભાગીય નિયામકે જણાવ્યું હતું.
.......................

 

Comments

COMMENT / REPLY FROM