Trending News
સ્થાનિક સમાચાર

લાલન કોલેજમાં સંસ્કૃત સપ્તાહની કરાઈ ઉજવણી

31 August



ભુજ - કચ્છઉદય : અહીંની આર. આર. લાલન કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા કોલેજની જ્ઞાનધારાના સહયોગથી સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 
પ્રથમ દિવસે સંસ્કૃત સપ્તાહનો ઉદ્ઘાટન કાર્યક્રમ થયો, જેમાં વિભાગના અધ્યક્ષ ડો. મેહુલ શાહે સંસ્કૃતની અનિવાર્યતા પર પ્રકાશ પાડ્યો હતો. આચાર્ય ડો. સી.એસ.ઝાલાએ વિવિધ કાર્યક્રમો દ્વારા સંસ્કૃતને સમાજમાં સ્થાપિત કરવાના પ્રયત્નો કરવા માટે વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત સપ્તાહના સંયોજક ડો. અત્રિકુમાર રાજગોરે સંસ્કૃત સપ્તાહ અંતર્ગતના વિવિધ વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ અંગે સૌને માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આભારવિધિ શ્રી માધવીબેન ધોળકીયાએ તથા કાર્યક્રમનું સંચાલન અધ્યાપક મેહુલ પુરોહિતે કર્યું હતું. 
બીજા દિવસે “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ” અંતર્ગત “સંસ્કૃત ગૌરવ યાત્રા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે વિદ્યાર્થીઓ તથા સમાજમાં ગૌરવની ભાવના જાગૃત થાય અને સંસ્કૃત ભાષાના મહત્ત્વનો પ્રચાર-પ્રસાર થાય તેવા ઉમદા હેતુથી આ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન ‘અસ્માકં ભાષા, સંસ્કૃત ભાષા’, ‘ગ્રામે ગ્રામે નગરે નગરે સંસ્કૃત ભાષા’ જેવા સંદેશાઓ દ્વારા સંસ્કૃત ભાષાના મહત્ત્વને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંસ્કૃત માત્ર પ્રાચીન ભાષા નથી, પરંતુ ભારતીય જ્ઞાન, દર્શન, સાહિત્ય, વિજ્ઞાન અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાની આધારભૂત ભાષા છે, તેવો સંદેશ પણ આ યાત્રા દ્વારા આપવામાં આવ્યો હતો.ત્યાર બાદ વિભાગના અધ્યાપકો દ્વારા ‘વદતુ સંસ્કૃતમ્‌’ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. 
ત્રીજા દિવસે સંસ્કૃત પરિચય તેમજ સામાન્ય સંસ્કૃતનાં સંવાદો વિશેના વિવિધ વિડીઓ છાત્રો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. ચોથા દિવસે સંસ્કૃત ગીત સ્પર્ધા, સંસ્કૃત સુભાષિત સ્પર્ધા, સંસ્કૃત સ્તોત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં મયુરી વ્યાસ, મહેશ્વરી ભાવના, હેડાઉ શ્રુતિ, ઈશિતા જોશી, વૃશિકા જોશી, અને ભટ્ટ અપૂર્વા વિવિધ ક્રમે વિજેતા બન્યા હતા.  પાંચમાં દિવસે છાત્રો માટે સંસ્કૃત રીલ્સ મેકિંગ અંગેનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. છઠ્ઠા દિવસે સંસ્કૃત મુખ્ય વિષયના વિદ્યાર્થીઓનો ‘સંસ્કૃત પ્રવાસ’ યોજવામાં આવ્યો હતો, જેમાં કચ્છના અધ્યાત્મિક પ્રાચીન સ્થાન કાળો ડુંગર તથા રોડ ટુ હેવનની મુલાકાત લેવામાં આવી હતી.  સાતમાં અને અંતિમ દિવસે સંસ્કૃત પ્રશ્નમંચ સ્પર્ધા અને સંસ્કૃત સપ્તાહ સમાપન  કાર્યક્રમ યોજાયો હતો. સમાપન  કાર્યક્રમમાં કોલેજનાં અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડો. ભાવેશભાઈ ભટ્ટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્કૃત ભાષાની પ્રાચીનતા અને મહાનતા અંગે, તેમજ સંસ્કૃત ભાષા સાથેનાં વિવિધ સ્ટાર્ટ અપ  વિશે પોતાનાં મંતવ્યો રજૂ કર્યા હતા. લાલન કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા પ્રતિવર્ષ થતી સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં આ વર્ષે સરકારનો આગ્રહ ભળ્યો હતો. આચાર્ય ડો. સી.એસ.ઝાલાની પ્રેરણા તથા વિભાગના અધ્યક્ષ ડો. મેહુલ શાહ, અધ્યાપકો ડો. અત્રિ રાજગોર, પ્રો મેહુલ પુરોહિત અને પ્રો. માધવી ધોળકીયા તથા વિદ્યાર્થીઓના પ્રયાસો વડે આ સંસ્કૃત સપ્તાહની ઉજવણી સાર્થક બની હતી. 
----

Comments

COMMENT / REPLY FROM