અમર મહલનો ગૌરવશાળી ઇતિહાસ અને ડોગરા રાજવંશની અણમોલ વિરાસત
ફ્રેન્ચ આર્કિટેક્ચર, રણબીર પેનલ કોડ અને સોનાની મિનીએચર પેઇન્ટિંગ્સ સાથે જોડાયેલી જમ્મુ-કાશ્મીરની અનોખી ઐતિહાસિક દાસ્તાન
જમ્મુના ઐતિહાસિક અમર મહાલ પેલેસનું સોનાનું સિંહાસન અને યુરોપિયન સ્થાપત્ય બન્યું આકર્ષણનું કેન્દ્ર : ફ્રેન્ચ કેસલ શૈલીમાં તૈયાર થયેલા રાજમહેલમાં આજે પણ સાચવવામાં આવી છે ડોગરા રાજવંશની અદ્ભુત ધરોહર : પ્રાચીન પુસ્તકો અને દુર્લભ ચિત્રોનો અમૂલ્ય ખજાનો
જમ્મુ - કચ્છઉદય (માનવ ભાનુશાલી) : જમ્મુ શહેરના ઐતિહાસિક વારસાને પોતાનામાં સમાવીને બેઠેલો અમર મહલ માત્ર એક સ્થાપત્ય નથી, પરંતુ ડોગરા રાજવંશ અને જમ્મુના ભવ્ય ઇતિહાસનો જીવંત દસ્તાવેજ છે. આ અનોખા પેલેસનું નિર્માણ મહારાજા હરિ સિંહના પિતા રાજા અમર સિંહ દ્વારા કરાવવામાં આવ્યું હતું. જૂની હેરિટેજ મંડીથી અલગ પોતાના ખાનગી નિવાસસ્થાન તરીકે પસંદ કરાયેલી આ જગ્યાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના નિર્માણ માટે ફ્રાન્સથી ખાસ કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. ભારતીય આર્કિટેક્ચરથી અલગ આ પેલેસ ફ્રેન્ચ કોલોનિયલ આર્કિટેક્ચર શૈલીમાં તૈયાર થયો છે. જોકે, અમુક કારણોસર આ મહેલ અડધો જ બની શક્યો હતો. જમ્મુ કાશ્મીરના પીઆઈબીના ડાયરેકટર શ્રી નેહા જાલાઈએ આ મહેલ સહિત જમ્મુના ઈતિહાસની વિગતો પત્રકારોને આપી હતી. ભારતના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુમાં તાવી નદીના કિનારે ૧૯મી સદીનો ઐતિહાસિક અમર મહાલ પેલેસ પ્રવાસીઓ અને ઇતિહાસપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ભવ્ય રાજમહેલ ડોગરા રાજા અમર સિંહ માટે એક ફ્રેન્ચ આર્કિટેક્ટ દ્વારા યુરોપિયન કેસલ (ચેટો) શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ પેલેસનું સૌથી મુખ્ય અને અદ્ભુત આકર્ષણ ૧૨૦ કિલો શુદ્ધ સોનામાંથી બનેલું સિંહાસન છે. ભૂતકાળમાં આ માત્ર એક વૈભવી સિંહાસન ન હોતાં, એવું પવિત્ર સ્થાન હતું જ્યાં બેસીને જમ્મુના મહારાજા પોતાની પ્રજાને નિષ્પક્ષ અને ન્યાયી ફેંસલો સંભળાવતા હતા. અદ્ભુત કોતરણી અને રોયલ શાન ધરાવતું આ સિંહાસન આજે પણ ભારતના ભવ્ય ઇતિહાસ અને રાજાશાહી સમયની ન્યાયપ્રણાલીની સાક્ષી પૂરે છે.
આજે આ ઐતિહાસિક સ્થાનને ડોગરા રાજવંશની અમૂલ્ય ધરોહર તરીકે મ્યુઝિયમ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ મહેલમાં સોનાના સિંહાસન ઉપરાંત કાંગડા અને પહાડી શૈલીના અત્યંત દુર્લભ ચિત્રોનો અદ્ભુત ખજાનો આવેલો છે. ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે અહીં એક સમૃદ્ધ પુસ્તકાલય પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ફિલોસોફી, સંસ્કૃત અને પર્શિયન ભાષાના પ્રાચીન હસ્તપ્રતો સહિત હજારો જૂના અને દુર્લભ પુસ્તકોનો સંગ્રહ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મહેલમાં એક આધુનિક આર્ટ ગેલેરી પણ બનાવવામાં આવી છે, જ્યાં દેશના દિગ્ગજ ચિત્રકારોની કૃતિઓ પ્રદર્શિત કરાઈ છે. જમ્મુની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે તાવી નદીના કિનારે આવેલો આ અદ્ભુત મહેલ ભારતીય અને યુરોપિયન સંસ્કૃતિના સુમેળનો શ્રેષ્ઠ નમૂનો પૂરો પાડે છે.જમ્મુ શહેરના નામ પાછળ પણ એક ખૂબ જ રસપ્રદ અને પ્રાચીન ઇતિહાસ જોડાયેલો છે. અઢારમી સદી પહેલાંના સમયમાં બાહૂ લોચન અને જમ્બૂ લોચન નામના બે ભાઈઓ હતા. બાહૂ લોચને તવી નદીના કિનારે બાહૂ ફોર્ટ બનાવ્યો અને કાલી માતાની મૂર્તિ સ્થાપિત કરી. બીજી તરફ, સિયાલકોટમાં રહેતા જમ્બૂ લોચન જ્યારે આ વિસ્તારમાં શિકાર માટે આવ્યા, ત્યારે તેમણે તળાવના કિનારે એક અદભુત દ્રશ્ય જોયું. એક જ તળાવ પર વાઘ અને બકરી એકસાથે શાંતિથી પાણી પી રહ્યા હતા. આ ચમત્કારિક ઘટનાથી પ્રભાવિત થઈને તેમણે આ જગ્યાએ શહેર વસાવ્યું, જે શરૂઆતમાં ’જમ્બૂ ગડા’ તરીકે ઓળખાયું અને સમયાંતરે તે જમ્મુ બની ગયું.જમ્મુ અને કાશ્મીર રિયાસતની સ્થાપનામાં મહારાજા ગુલાબ સિંહનું યોગદાન અતુલ્ય છે. એક સાધારણ પરિવારમાંથી આવતા બહાદુર ગુલાબ સિંહ પંજાબના મહારાજા રણજીત સિંહની સેનામાં સામાન્ય સૈનિક તરીકે જોડાયા હતા. પોતાની અસાધારણ કાબિલિયત અને હુનરના દમ પર તેઓ પ્રગતિ કરીને સેનાપતિ બન્યા. મહારાજા રણજીત સિંહે ખુશ થઈને તેમને જમ્મુના રાજા બનાવ્યા અને અખનૂરના જીયા પોતા ઘાટ પર તેમનો રાજ્યાભિષેક થયો. ત્યારબાદ તેમના નિષ્ઠાવાન જનરલ જોરાવર સિંહ અને જનરલ બાઝ સિંહે સામ્રાજ્યનો વિસ્તાર કરીને લેહ, લદ્દાખ, ગિલગિત, બલતિસ્તાન અને તિબ્બત સુધીનો પ્રદેશ રિયાસતમાં ઉમેર્યો.સિખ સામ્રાજ્યના પતન બાદ અને અંગ્રેજો સાથેની ઐતિહાસિક અમૃતસર સંધિ અંતર્ગત ૭૫ લાખ રૂપિયા ચૂકવીને મહારાજા ગુલાબ સિંહે મહારાજાનો ખિતાબ અને કાશ્મીરનો પ્રદેશ પ્રાપ્ત કર્યો. આમ તેઓ જમ્મુ, કાશ્મીર, લેહ અને લદ્દાખના પ્રથમ મહારાજા બન્યા. તેમના પુત્ર મહારાજા રણબીર સિંહે રિયાસતને પોતાનું બંધારણ આપ્યું, જેને ’રણબીર પેનલ કોડ’ કહેવામાં આવતું હતું. આ ઉપરાંત, જમ્મુમાં અનેક મંદિરોનું નિર્માણ કરાવીને તેમણે આ શહેરને ’સિટી ઓફ ટેમ્પલ્સ’ તરીકે ઓળખ અપાવી. મહારાજા રણબીર સિંહના પુત્ર મહારાજા પ્રતાપ સિંહ પોતાની ૧૫ મીટર લાંબી ખાસ પાઘડી માટે સમગ્ર દેશમાં જાણીતા હતા.જમ્મુ-કાશ્મીરના અંતિમ શાસક મહારાજા હરિ સિંહના પુત્ર યુવરાજ ડોક્ટર કરણ સિંહનો જન્મ ફ્રાન્સના કાન્સ શહેરમાં થયો હતો. તેઓ જમ્મુ-કાશ્મીરના પ્રથમ પ્રેસિડન્ટ અને ત્યારબાદ પ્રથમ રાજ્યપાલ બન્યા. ૧૪૮થી વધુ પુસ્તકોના લેખક અને ૧૬થી ૧૭ ભાષાઓના જ્ઞાની ડોક્ટર કરણ સિંહે ૧૯૭૫માં પોતાનાદાદાની આ ધરોહરને સંગ્રહાલય અને પુસ્તકાલય તરીકે આમ જનતા માટે ખુલ્લી મૂકી દીધી હતી.
આજે આ અમર મહલ મ્યુઝિયમમાં ડોગરા, લદ્દાખી અને કાશ્મીરી સંસ્કૃતિના પરંપરાગત પોશાકો સાથે અનેક ઐતિહાસિક ગેલેરીઓ આવેલી છે. અહીં મહારાજા હરિ સિંહનો સોનાનો રાજસિંહાસન, દુર્લભ પુસ્તકો અને ઐતિહાસિક દસ્તાવેજો સચવાયેલા છે. મહેલના દરબાર હોલમાં ૧૮મી શતાબ્દીની વિશ્વપ્રસિદ્ધ કાંગડા મિનીએચર પેઇન્ટિંગ્સનો અનમોલ ખજાનો છે. આ પેઇન્ટિંગ્સમાં શુદ્ધ સોનું, ચાંદી અને કુદરતી શાકભાજીના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની બારીકી માત્ર મેગ્નિફાઇંગ ગ્લાસ વડે જ જોઈ શકાય છે. આ ઉપરાંત, મ્યુઝિયમમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું એક અનોખું ૩ડી ઇફેક્ટ ધરાવતું તૈલચિત્ર પણ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.
---------

Comments